(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
આસામમાં રાષ્ટ્રીય નાગરિક નોંધણી(એનઆરસી)ને લઇ વિપક્ષી દળોનો સંસદમાં હંગામા બુધવારે પણ જારી રહ્યો હતો જેના પગલે રાજ્યસભાની કાર્યવાહી ગુરૂવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી. તૃણમુલના સાંસદ સુખેન્દુ શેખર રોયે રાજ્યસભામાં કહ્યું કે, કેવી રીતે ેક વ્યક્તિ(અમિત શાહ)ને બીજીવાર બોલવાની તક આપવામાં આવી શકે. જ્યારે તેઓ પહેલા જ બોલી ચુક્યા છે. બીજી તરફ અધ્યક્ષ વેંકૈયા નાયડુએ ટીએમસી સાંદસોને બેઠકો પર પરત જવા કહ્યું હતું. સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા વિપક્ષી સાંસદોએ સંસદ બહાર પ્રદર્શનો કર્યા હતા. રાજ્યસભામાં અમિત શાહને ફરી બોલવાની તક આપવામાં આવી પરંતુ હોબાળાને કારણે તેઓ બોલી શક્યા નહોતા. શાહ મંગળવારે આપેલા નિદેવનને પુરૂ કરવા માગતા હતા. જ્યારે અધ્યક્ષ વેંકૈયા નાયડુએ સાંસદોને પોતાની રજૂઆત શાંતિથી કરવા કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે હાથમાં પ્લેકાર્ડ લઇને તૃણમુલ કોંગ્રેસ, સપા, રાજદ, ટીડીપી, આપ, બસપા અને જેડીએસના સાંસદોએ બંને સદનોમાં હંગામો કર્યો હતો જેના પગલે ગૃહની કાર્યવાહીને સ્થગિત કરવી પડી હતી. આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી) મુદ્દે રાજ્યસભામાં ચર્ચામાં ભાગ લેતા અમિત શાહે કહ્યું હતું કે, ૧૯૮૫માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ આસામ સમજૂતી અંતર્ગત એનઆરસી બનાવવાની જાહેરાત કરી હતી. એનઆરસીને આસામ સમજૂતીનું આત્મા ગણાવતા તેમણે કહ્યું હતું કે, તેને અમલમાં લાવવાની કોંગ્રેસમાં હિંમત નહોતી અને અમારામાં હિંમત છે તેથી તેને લાગુ કરવા નીકળ્યા છીએ. શાહે એનઆરસી લાગુ કરવાથી દેશમાં ક્ષેત્રીય તથા ભાષાના આધારે રાજ્યો વચ્ચે ઘર્ષણ થવાની વિપક્ષની શંકાઓ અને આરોપોને ખોટા ગણાવતા કહ્યું હતું કે, ગૃહમાં આ વાતની પણ ચર્ચા થવી જોઇએ કે એનઆરસી લાવવાની જરૂર કેમ પડી.