(એજન્સી)નવી દિલ્હી/ગુવાહાટી, તા. ૧૨
આશરે ૧,૬૦૦ કરોડ રૂપિયાનો ભારેભરખમ ખર્ચ કરવા અને પાંચ વર્ષ સુધી કસરતો કરાયા બાદ આસામમાં તૈયાર કરાયેલો એનઆરસી યાદીનો ડેટા અચાનક વેબસાઇટ પરથી ગાયબ થતા લોકોમાં દોડધામ મચી છે.
આસામમાં તૈયાર થયેલું રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર(એનઆરસી)નો ડેટા સત્તાવાર વેબસાઇટ પરથી ગાયબ થઇ ગયો છે. રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર(એનઆરસી)ની અંતિમ યાદીનો તમામ ડેટા આઇટી કંપની વિપ્રોની સાથે કરારના નવીનીકરણ નહીં થવાને કારણે પોતાની સત્તાવાર વેબસાઇટથી ઓફલાઇન થઇ ગયો છે. આ અંગે કેન્દ્ર સરકારે પ્રતિક્રિયા આપી હતી. સત્તાવાર વેબસાઇટ પરથી એનઆરસી યાદીનો ડેટા ઓફલાઇન થવા અંગે આસામના અધિકારીઓએ કહ્યું છે કે, ચિંતા કરવાની કોઇ બાબત નથી જ્યારે ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, એનઆરસીનો તમામ ડેટા સુરક્ષિત છે. ટોચની સમાચાર એજન્સી અનુસાર ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, એનઆરસી ડેટા સુરક્ષિત છે, ક્લાઉડ પર વિઝિબિલિટીની સમસ્યાને લઇને કેટલીક ટેકનિકલ ખામી છે. તેને તાત્કાલિક યોગ્ય કરી લેવાશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે આને દુર્ભાવનાપૂર્ણ કાર્ય ગણાવ્યું છે. આસામ એનઆરસીની અંતિમ યાદી ૩૧મી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ બહાર પડાયા બાદ સત્તાવાર વેબસાઇટ પર વાસ્તવિક ભારતીય નાગરિકોના નામ સામેલ અને બહાર કરવાની સમગ્ર વિગતો અપલોડ કરાઇ હતી. જોકે, આ ડેટા છેલ્લા કેટલાક દિવસોથી ઉપલબ્ધ નથી અને તેનાથી લોકોમાં ખાસ કરીને યાદીમાંથી બહાર કરાયેલા લોકોમાં દહેશત ઉભી કરી છે કેમ કે તેમના નામ ફગાવ્યા હોવાનું પ્રમાણપત્ર આપવાનું હજુ બાકી છે.
સંપર્ક કરાતા એનઆરસીના રાજ્ય સમન્વયક હિતેશ દેવ શર્માએ સ્વીકાર્યું કે, ડેટા ઓફલાઇન થઇ ગયો છે પરંતુ તેની વચ્ચે દુર્ભાવનાપૂર્ણ ઇરાદા હોવાનો આરોપ ફગાવ્યો છે. તેમણે કહ્યું કે, મોટી સંખ્યામાં ડેટા માટે ક્લાઉડ સેવા વિપ્રોએ પૂરી પાડી હતી અને તેમનો કરાર પાછલા વર્ષે ઓક્ટોબર સુધી હતો. જોકે, તેના પહેલાના સમન્વયકે નવિનીકરણ કર્યું ન હતું. તેથી વિપ્રો દ્વારા તેને રદ કરાયા બાદ ડેટા ૧૫ ડિસેમ્બરથી ઓફલાઇન થયો છે. મેં આ અંગે ૨૪ ડિસેમ્બરથી કાર્યભાર સંભાળ્યો છે. હિતેશ શર્માએ જણાવ્યું હતું કે, રાજ્ય સમન્વયક સમિતીએ ૩૦ જાન્યુઆરીની બેઠકમાં આવશ્યક ઔપચારિકતાઓ પુરી કરવાનો નિર્ણય લીધો હતો અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં વિપ્રોને પત્ર લખ્યો હતો. શર્માએ જણાવ્યું કે, વિપ્રો જ્યારે ડેટા લાઇવ કરશે ત્યારે તે લોકો માટે ઉપલબ્ધ હશે. અમને આશા છે કે, આ કામ બે-ત્રણ દિવસમાં થઇ જશે. આ ઘટનાક્રમ અંગે પ્રતિક્રિયા આપતા રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા દેવવ્રત સાઇકિયાએ ભારતના રજિસ્ટ્રાર જનરલને પત્ર લખ્યો હતો અને તેમને આ અંગે તાત્કાલિક જોવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ અંગે પાક્કી શંકા છે કે, ઓનલાઇન ડેટા ગાયબ થવું એક દુર્ભાવનાપૂર્ણ કામ છે. તેમણે કહ્યું કે, શા માટે તમામ ડેટા અચાનક ગાયબ થયુ તે એક રહસ્ય છે ખાસ કરીને જ્યારે અપીલની પ્રક્રિયા પણ શરૂ થઇ નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, સીધી વાત છે કે, ઓનલાઇન ડેટા ગાયબ થાય તે બદઇરાદાપૂર્વકનું કૃત્ય છે. આ સુપ્રીમ કોર્ટ દ્વારા બહાર પડાયેલા દિશાનિર્દેશોનું પ્રાથમિક તારણે જ ભંગ છે. ઉલ્લેખનીય છે કે, એનઆરસીની યાદીમાંથી બહાર થયેલા લોકો દ્વારા હજુ અપીલની પ્રક્રિયા બાકી છે ત્યારે અચાનક ડેટા ગાયબ થતા લોકોમાં ભારે ભયનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે, આસામ એનઆરસીની અંતિમ યાદીમાંથી ૧૯ લાખ લોકોને બહાર રખાયાની વિગતો ગયા વર્ષે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સપ્ટેમ્બરમાં ઓનલાઇન મુકવામાં આવી હતી. આ ડેટા ઓફલાઇન થતા લોકો તેને ઓનલાઇન જોઇ કે ડાઉનલોડ કરી શકતા ન હતા. તેઓ પોતાના તથા પરિવારના નામોની યાદી જોઇ શકતા ન હોવાથી ભારે દહેશત ફેલાઇ હતી. દરમિયાન કોંગ્રેસે પણ કહ્યું હતું કે, આ કામ બદઇરાદાથી કરાયું છે અને આસામ એનઆરસી અધિકારીઓને આ શંકાસ્પદ ઘટનાની તપાસ કરવાની માગણી કરી છે.

આસામ NRC: ડેટા ગુમ થવાની કથા, ટેકનિકલ ખામીઓ,
કોન્ટ્રાક્ટને રિન્યૂ ના કરવો અને રાજ્યની જવાબદારી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૨
આસામ એનઆરસીમાં સમાવિષ્ટ અને બહાર કરાયેલા લોકોની યાદી સત્તાવાર વેબસાઇટ પરથી ગાયબ થઇ ગયા બાદ અને ગભરાટની ફેલાતા એનઆરસીના સ્ટેટ કોઓર્ડિનેટર હિતેશ દેવ શર્માએ કહ્યું કે ડેટા સુરક્ષિત છે અને તેમાં ગભરાવવાની જરૂર નથી. શર્માએ કહ્યું કે, આ ટેકનિકલ ખામી છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ આ અંગે સ્પષ્ટતા કરી હતી કે, આ ડેટા થોડા સમય માટે જ ઓફલાઇન થયો છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, સમગ્ર ડેટા ક્લાઉડ સ્ટોરેજમાં મુકાયો છે. પરંતુ વિપ્રો દ્વારા પુરી પડાતી સેવાનો સમય સમાપ્ત થઇ જતા અને તેને જુના કોઓર્ડિનેટર દ્વારા રિન્યૂ ન કરાતા આ ઘટના સામે આવી છે. તેમણે કહ્યું કે, પહેલાના કોઓર્ડિનેટર પ્રતીક હાજેલા દ્વારા તેને રિન્યૂ કરાવ્યો ન હતો. નવા કોઓર્ડિનેટરે પદભાર સંભાળ્યા બાદ રિન્યૂની પ્રક્રિયા શરૂ કરાઇ છે અને કેટલાક દિવસોમાં ડેટા ઓનલાઇન થઇ જશે. પરંતુ આમાં કેટલાક સવાલ ઉદભવે છે કે શું રાજ્ય પાસે ડેટા સુરક્ષિત રાખવાની પુરતી ક્ષમતા છે કે નહીં. ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયેરેક્ટર અને વકીલ અપાર ગુપ્તાએ સમાચાર એજન્સીને જણાવ્યું કે, રાજ્યની ક્ષમતા સામે આ ઘટનાએ મોટો સવાલ ઊભો કર્યો છે. ડેટાનું સંરક્ષણ અને તેને સુરક્ષિત રાખવાની જવાબદારી રાજ્યની છે. આનાથી એ પણ સાબિત થાય છે કે, વ્યક્તિગત કોન્ટ્રાક્ટ ચર્ચાપાત્ર છે અને તેઓ રિન્યૂઅલ પ્રોસેસ દરમિયાન સિસ્ટમને ટેકનિકલ રીતે ઓનલાઇન રાખવાની ખાતરી કરી શકતા નથી. આનાથી દેશભરમાં ચાલી રહેલા ગંભીર મુદ્દા અંગે સરકારો કેટલી ગંભીર છે. તેની કેટલી ગંભીર અસર થશે તેનાથી જાણે અજાણ હોય તેવી બનાવટ કરે છે. બીજી તરફ વિપ્રોએ કહ્યું કે, કોન્ટ્રાક્ટ પૂરો થવા છતાં કેટલાય સમય સુધી તેણે આ ડેટા હટાવ્યો ન હતો. આ કોન્ટ્રાક્ટ ઓક્ટોબર ૨૦૧૯માં પૂરો થયો હતો અને વિપ્રોએ જાન્યુઆરી ૨૦૨૦ના અંત સુધી આ સેવા ચાલુ રાખી હતી. એનઆરસીની અંતિમ યાદીમાં કુલ ૩,૩૦,૨૭,૬૬૧માંથી ૧૯,૦૬,૬૫૭ લોકોને બહાર કરાયા હતા. આસામ કોંગ્રેસે આ માટે રાજ્ય સરકારને જવાબદાર ગણાવી હતી.