(એજન્સી) તા.૩
જ્યારથી એનઆરસીનો અંતિમ ડ્રાફ્ટ જાહેર થયો છે. ત્યારથી આસામ સહિત સમગ્ર દેશમાં આ જ ચર્ચાનો વિષય બની ગયો છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ આ મામલે ઉગ્ર ટિપ્પણીઓ કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે ભારતીય નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. આ તો ફક્ત ઘૂસણખોરો માટે ચિંતાનો વિષય છે. જોકે એનઆરસીમાંથી બાકાત રખાયેલા લોકોમાં કેટલાક ધારાસભ્યો, શિક્ષકો અને આર્મીના અધિકારીઓ પણ સામેલ છે. લગભગ ૪૦ લાખ લોકોને આ યાદીમાંથી બાકાત રખાયા છે. જેના કારણે આસામમાં તંગદિલી જેવો માહોલ છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે મંગળવારે કહ્યું હતું કે ઘૂસણખોરો માટે ચિંતાનો વિષય છે. જે લોકોને એનઆરસીની યાદીમાં સામેલ નથી કરાયા તેઓ ઘૂસણખોરો છે તે ભારતીય નાગરિક નથી. તેમણે રાજકીય વિપક્ષી પાર્ટીઓને પણ તેમના વલણ આ અંગે સ્પષ્ટ કરવા દબાણ કર્યું હતું. તેમણે કહ્યું કે જેમના નામ યાદીમાં નથી તેઓ ઘૂસણખોર છે પણ આ યાદી અંતિમ નથી. તેઓ દાવો કરી શકે છે, અપીલ કરી શકે છે. ત્યારબાદ અંતિમ યાદી આવશે. જોકે હવે ૪૦ લાખ લોકોમાં ભય એ પેદા થયો છે કે શું તેઓ બાંગ્લાદેશી છે. તેમનામાંથી કેટલા લોકો બાંગ્લાદેશી છે.? શાહે ૩૧ જુલાઇએ રાજ્યસભામાં કહ્યું હતું કે શા માટે તમે બાંગ્લાદેશી ઘૂસણખોરોને સુરક્ષા આપી રહ્યાં છો ? પણ ચિંતાનો એ વિષય છે જે લોકોને યાદીમાંથી બાકાત રખાયા છે તેમાં અનેક આર્મી અધિકારી છે તો કેટલાક ધારાસભ્યો છે તો કેટલાક સ્કૂલના શિક્ષકો પણ છે. જોકે ધારાસભ્યોની પત્નીઓ પણ તેમાં સામેલ છે. કેચરના ભાજપના ધારાસભ્યની પત્ની અર્ચના પોલે પણ આ યાદીમાં સ્થાન મળ્યું નથી. કોંગ્રેસના પૂર્વ ધારાભસ્ય અતાઉર રહેમાન પણ આ યાદીમાંથી બહાર છે. એઆઈયુડીએના કેચર એકમના અધ્યક્ષ સમીમુલ ઈસલામ અને તેમના પરિવારના સભ્યોને પણ એનઆરસીની યાદીમાં સામેલ કરાયા નથી. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદના ભત્રીજા ઝિયાઉદ્દીન અલી અહેમદને પણ આ યાદીમાં સ્થાન મળ્યું નથી.