(એજન્સી)
નવી દિલ્હી, તા.૧
નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) ડ્રાફ્ટના કારણે રાજ્યમાં કેટલાક લોકો કોમી તંગદિલી સર્જવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે આસામના લોકો ડ્રાફ્ટમાં પોતાનું નામ છે કે, નહીં તે ચકાસવા લાંબી લાઈનો લગાવી રહ્યા છે.
એનઆરસીની ઘોષણા બાદ રાજ્યમાં કોમી તોફાનો ફાટી નીકળે તેવી ગુપ્તચર તંત્રને માહિતી મળી છે. એનઆરસી ડ્રાફ્ટ જાહેર થયાના કલાકો બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, ભાજપે ભારતીય નાગરિકોને પોતાના દેશમાં જ આશ્રિતો બનાવી દીધા છે.
ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (એઆઈયુડીએફ)ના વડા અને લોકસભા સાંસદ બદરૂદ્દીન અજમલે જણાવ્યું હતું કે, એનઆરસી યોજનાના નામે આસામમાંથી લઘુમતી મતદારોની સાંસદોની, ધારાસભ્યોની, પંચાયત સભ્યોની સંખ્યા ઘટાડવા એક કાવતરું ઘડવામાં આવ્યું છે. અમુક દિવસો બાદ હું ચોક્કસ પુરાવા સાથે આ મામલે વાત કરીશ.
ભાજપે ર૦૧૪ની લોકસભા ચૂંટણી સમયે આસામને ગેરકાયદેસર વસાહતીઓ મુક્ત બનાવવાનું વચન આપ્યું હતું. ત્યારે એનઆરસીની તરફેણમાં અને ગેરકાયદેસર વિદેશીઓ મામલે લડત ચલાવતા ઓલ આસામ સ્ટુડન્ટસ યુનિયને ભાજપની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
દરમિયાન આસામના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈને પણ આસામમાં અશાંતિ સર્જવાની પરવાનગી અપાશે નહીં.