(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૭
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ અને તેમના પત્ની આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારે બંને મહાનુભાવોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભવ્ય અને જાજરમાન સ્વાગત કરવામાં આવ્યું હતું. નેતાન્યાહુ અને તેમના પત્ની સારાના આગમન સમયે એરપોર્ટ પર જ ૯૦ જેટલા કલાવૃંદો દ્વારા ગુજરાતની અદ્‌ભુત કલા અને સંસ્કૃતિની ઝાંખીઓ, કલાત્મકતા, ગરબા, સૌરાષ્ટ્રનો રજવાડી મણિયારો રાસ, રાઠવા નૃત્ય, હોળી નૃત્ય, શરણાઇ અને ભૂંગળવાદન સહિતની કૃતિઓનું નિદર્શન કરાયું હતું, જેને જોઇ નેતાન્યાહુ અને તેમના પત્ની સારા ભારે પ્રભાવિત થયા હતા. કલાકારીગરી અને સાંસ્કૃતિક ભરતકામ ભરેલી છત્રી ફેરવતા કલાકારોને જોઇ નેતન્યાહુ પોતાની જાતને રોકી શકયા ન હતા, તેઓ તેમની પાસે ધસી ગયા હતા અને આ કલાકારના હાથમાંથી છત્રી લઇ પોતે ફેરવવા માંડયા હતા, આ જોઇ મોદી પણ તરત તેમની સાથે જોડાયા હતા. આ પ્રસંગે ગુજરાતના રાજયપાલ કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવોએ પણ પુષ્પગુચ્છ અર્પણ કરી વિદેશી મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર પણ ભારત અને ઇઝરાયલની મિત્રતા કાયમ જીવંત રહે તેવા ભવ્ય હોર્ડિંગ્સ અને કટઆઉટ લગાવવામાં આવ્યા હતા અને તેના દ્વારા પણ ઇઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહુની પહેલાં વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા ત્યારે રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવોએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.