(એજન્સી) ઈસ્લામાબાદ, તા.રર
ગઈકાલે પાકિસ્તાને જણાવ્યું કે, ભારતના નેશનલ સિકયોરિટી એડવાઈઝર (એનએસએ) અજીત ડોભાલની રણનીતિ કયારેય સફળ થશે નહીં. ડોભાલ આક્રમકરૂપે રક્ષાત્મક રહેવા અને બેવડા વલણથી દબાણ નાંખવાની યુદ્ધનીતિ પર કામ કરી રહ્યા છે. પાકિસ્તાને આ અંગે યુએનમાં પ્રતિક્રિયા આપવાના હક દરમિયાન કહી હતી. અગાઉ ભારતે પ્રતિક્રિયા આપવાના સેશન દરમિયાન પાકિસ્તાનને ટેરરીસ્તાન ગણાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાને કહ્યું કે ભારતે તેમના વડાપ્રધાન શાહીદખાન સિદ્દીકીના નિવેદનની નિંદા કરી જે દુર્ભાગ્યપૂર્ણ છે. વડાપ્રધાને નિવેદન કાશ્મીરના લોકોની ભાવનાઓ અને ઈચ્છાઓ સંદર્ભે આપ્યું હતું. યુએનમાં પાકિસ્તાનના કાયમી મિશનના કાઉન્સિલ ટીપુ ઉસ્માન અનુસાર ડોભાલ આક્રમક રૂપે સુરક્ષિત અને બેવડા વલણે દબાણ કરવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે. ભારતનું માનવું છે કે તેનાથી તે ક્ષેત્રમાં પોતાની તાકાત સ્થાપિત કરી શકશે પરંતુ આમ કયારેય બનશે નહીં. ભારત અશાંતિ અને આતંક ફેલાવી રહ્યો છે. કુલભૂષણ જાધવ તેનું ઉદાહરણ છે. તેને અમે પાકિસ્તાનમાં રંગેહાથે પકડ્યો હતો. તે અમારા દેશમાં આતંકવાદ અને ષડયંત્ર ફેલાવી રહ્યા છે. પરંતુ અમે ભારતના ઈરાદાને સફળ થવા દઈશું નહીં. ટીપુ ઉસ્માને કહ્યું કે કાશ્મીરીઓની દુર્દશા માટે ભારતીય સેના જવાબદાર છે તેના વિશે ઈન્ટરનેશનલ કોમ્યુનિટી અને માનવાધિકાર સંગઠન અનેક વખત અવાજ ઉઠાવી ચૂક્યું છે. કાશ્મીરના લોકો પોતાના ભવિષ્ય માટે ઈન્ટરનેશનલ કોમ્યુનિટી ખાસ કરીને યુએન સિકયોરિટી કાઉન્સિલ પાસે આશા રાખીને બેઠા છે. તેમની આગેવાનીમાં તેઓ મુક્ત, ન્યાયિક અને બિનપક્ષપાતી જનમત સંગ્રહ કરશે. વધુમાં ટીપુ ઉસ્માને કહ્યું કે ભારતની ખરાબ ધારાણાને અમે ફગાવીએ છીએ. ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ન સ્થાપવા માટે ભારત જ જવાબદાર છે. ભારત સતત નિયંત્રણ રેખાઓ પર ગોળીબાર કરે છે જે હેઠળ અનેક મહિલાઓ સહિત ૧૦ પાકિસ્તાન નાગરિક માર્યા ગયા છે. યુએનમાં ભારતની સેક્રેટરી એનમ ગંભીરે અગાઉ સોમવારે કહ્યું હતું કે, જે દેશમાં ઓસામા બિન-લાદેન અને મુલ્લા ઉમર જેવા આતંકીઓને આશરો મળ્યો છે તે હવે પોતાને જ પીડિત ગણાવી રહ્યો છે. પાકિસ્તાન આતંકવાદનું બીજું નામ બની ગયું છે. પાકિસ્તાનની ધરતી વિશુદ્ધ રૂપે આતંકને જ પેદા કરે છે. પાકિસ્તાન હવે ટેરરીસ્તાન છે. તે આતંકીઓની ફેકટરી ચલાવી તેની દુનિયાભરમાં નિકાસ કરે છે.