અમદાવાદ,તા.૨૭
જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો અને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જો અજાણી યુવતીની રિકવેસ્ટ આવે તો તેને એકસેપ્ટ કરતાં પહેલાં સો વખત વિચાર કરજો, કારણ કે તે ફેક આઇડી પણ હોઇ શકે. આવા આઇડી પર ચેટિંગ કરી વિશ્વાસ મૂકવાનું શહેરના નવા વાડજની યુવતીને ભારે પડી ગયું છે. ઇન્સ્ટાગ્રામ પર આવેલી યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટને એકસેપ્ટ કરી તે મહિલા બ્યુટિશિયનને પોતાના ન્યૂડ ફોટા મોકલતાં તેણીએ યુવતીને ફોટા સોશિયલ મીડિયામાં મૂકવાની ધમકી આપી બ્લેકમેલ કરી હોવાની ઘટના સામે આવી છે. નવા વાડજ વિસ્તારમાં રહેતી એક યુવતીને સપ્ટે-ર૦૧૭માં તેના ઇન્સ્ટાગ્રામ આઇડી પર એક યુવતીના નામ અને ફોટાના એકાઉન્ટવાળી રિકવેસ્ટ આવી હતી. જે રિકવેસ્ટ એકસેપ્ટ કર્યા બાદ એક મહિના સુધી બંનેએ ચેટિંગ કરી હતી. રિકવેસ્ટ મોકલનારે પોતે બ્યુટિશિયન હોવાનું જણાવ્યું હતું. પોતાની બોડી ફિટ રાખવા અને વધુ સુંદર દેખાવવા ન્યૂડ ફોટા મોકલવાનું જણાવ્યું હતું. ન્યૂડ ફોટા મોકલવાની ના પાડતાં તેને વિશ્વાસમાં લઇ અર્ધનગ્ન ફોટા મોકલવા કહ્યું હતું. યુવતીએ વિશ્વાસમાં આવી જઇ પોતાના અર્ધનગ્ન ફોટા મોકલી આપ્યા હતા. બાદમાં તે એકાઉન્ટધારકે પોતે પુરુષ હોવાનું જણાવી નગ્ન વીડિયોની માગ કરી હતી. યુવતીને ના પાડી દેતાં તેના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપી અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી ધમકી આપી હતી. ઉપરાંત અલગ અલગ નંબર પરથી ફોન કરી પોતે શ્રીલંકામાં હોવાનું જણાવ્યું હતું. યુવતીના અર્ધનગ્ન ફોટાવાળી પ્રોફાઇલ પણ ઇન્સ્ટાગ્રામ પર બનાવી દીધી હતી. આ બાબતે પરિવારજનોને જાણ થતા તેઓએ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.