નવી દિલ્હી,તા.૨૫
દેશમાં વધતી મૉબ લિંચિંગની ઘટનાઓ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલો ૪૯ હસ્તીઓવાળો પત્ર આ સમયે જોરદાર ચર્ચામાં છે, લોકો આ પત્ર પર પોત-પોતાના રિએક્શન આપી રહ્યા છે.
તૃણમુલ કોંગ્રેસના સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાંએ જેમણે ટ્‌વીટ કરીને લખ્યુ છે કે આજે જ્યાં દરેક લોકો માર્ગ, વીજળી, એવિએશન જેવા મુદ્દા પર વાત કરી રહ્યા છે, ત્યાં મને ખુશી છે કે આપણા સમાજે એક ઘણો પાયાનો પ્રશ્ન ઉઠાવ્યો છે, માણસની જીંદગી.
વડાપ્રધાન મોદીને લખેલા પત્રના સપોર્ટમાં આવેલી નુસરત જહાંએ લખ્યુ છે કે નફરતના ગુના અને મૉબ લિંચિંગની ઘટનાઓ આપણા દેશમાં વધી રહી છે. આ ઘણો સંવેદનશીલ મુદ્દો છે અને મને લાગે છે કે આ વિશે હવે દેશના દરેક નાગરિક પોતાનો અવાજ ઉઠાવશે કેમ કે આ ઘટનાઓને રોકવી જરૂરી છે.
તેમણે પોતાના પત્રમાં લખ્યુ છે કે ૨૦૧૯થી લઈને અત્યાર સુધી ૧૧ હેટ ક્રાઈમ્સ અને ૪ હત્યાઓ થઈ ચૂકી છે અને આ તમામ દલિત અને માઈનૉરિટી હતી, નુસરતે પોતાના પત્રમાં લખ્યુ કે ભગવાન રામના નામ પર હત્યાઓ કરવામાં આવી રહી છે. ગત વર્ષે સુપ્રીમ કોર્ટ આવા કેસને રોકવાનો આદેશ આપી ચૂકી છે પરંતુ સરકાર મૌન છે, પોતાના પત્રના અંતમાં નુસરતે ઈકબાલની રચના સારે જહાં સે અચ્છાની લાઈન લખી છે કે મજહબ નહીં શિખાતા આપસમે બેર રખના, હિન્દી હે હમ, વતન હે હિન્દોસ્તાં હમારા!