અમદાવાદ,તા.૧૩
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે સુપ્રીમકોર્ટના ચાર જજોની પત્રકાર પરિષદને લઈને સરકાર ઉપર વાકપ્રહાર કર્યા છે. હાર્દિકે સોશિયલ મીડિયા મારફતે જણાવ્યું હતું કે ભકતો હવે શું કહેશો ? લોકશાહી ખતરામાં છે કે નહીં ?? પ્રજાએ જાગૃત થવું પડશે સત્ય અને ઈમાનદારીના રસ્તે અવાજ ઉઠાવવો પડશે. ન્યાયાલય પણ હવે બોલી રહ્યા છે કે તેમને ન્યાય જોઈએ છે. તો પછી સામાન્ય પ્રજા જશે કયાં ??
હાર્દિક પટેલે સોશિયલ મીડિયા મારફતે કહ્યું હતું કે ચાર જજોએ પત્રકાર પરિષદ કરીને ન્યાયાલયમાં સ્વતંત્રતા નથી તેવું નિવેદન આપ્યું છે. આ વાત સાંભળીને લાગે છે કે આપણે આઝાદ નથી. હિન્દુસ્તાનની સરકાર ચલાવતા કેટલાક હિટલરોને લીધે આજે બધા લોકો પરેશાન છે. કોઈ બોલે છે તો તે દેશદ્રોહી બની જાય છે. નથી બોલતા તો મૂંગા કહેવામાં આવ છે તંત્ર, પોલીસ અને અધિકારીઓ પ્રજાની વાત સાંભળતા નથી. તો પ્રજા કહે છે કે તેઓ કોર્ટમાં જશે. પરંતુ કોર્ટમાં પણ હવે કોઈ સાંભળવાવાળું નથી. દેશમાં હું ચોર, હું પોલીસ અને હું જ ન્યાયાધીશનું રાજ છે. ચોકીદાર જ ચોર છે. વધુમાં હાર્દિકે કહ્યું કે સુપ્રીમકોર્ટમાં જે જજે અમિત શાહને હત્યા, અપહરણ સહિતના કેસથી મુકત કરી દીધા તે જજ નિવૃત થયાના સાત જ દિવસમાં કેરલના રાજયપાલ બની ગયા. તેમજ જે વકીલ અમિત શાહનો કેસ લડી રહ્યા હતા. તેઓ આજે સુપ્રીમકોર્ટના જજ બની ગયા છે. તો ગુજરાત હાઈકોર્ટમાં જે જજે અમિત શાહને આરોપી જાહેર કરીને સજા ફટકારી હતી તે જજના બહેનના લગ્નમાં ઈન્કમટેક્ષ વિભાગે દરોડા પાડયા હતા. હજુ પણ આ ડોગલા લોકોની ભકિત કરવી હોય તો તમને મુબારક, ધન્ય છે દેશપ્રેમી આ કેવો દેશ પ્રેમ છે.??