અમદાવાદ, તા. ૨૨
અમદાવાદમાં ઓઢવ ફાયર સ્ટેશન નજીક કંપનીમાં પ્રચંડ આગ ફાટી નિકળતા ત્રણ લોકોના મોત થયા છે. મળેલી માહિતી મુજબ ફાયર સ્ટેશનની સામે આવેલી લોટસ લેબલ નામની કંપનીમાં આ આગ ફાટી નિકળી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ અને રાહત કામગીરીની સાથે સાથે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી પરંતુ આ આગની ઘટનામાં ત્રણ લોકોના મોત થઇ ગયા હતા. પેટ્રોલ પંપ પાછળ આવેલી લોટસ લેબલ કંપનીમાં મોડી સાંજે એકાએક વિકરાળ આગ લાગી ગઈ હતી. કંપનીમાં પ્રિન્ટિંગ મશીનરીની ચીજવસ્તુઓ હતી. સાથે સાથે ગેસના સિલિન્ડરો પણ હતા. ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાથી આગ વધુ વિનાશક બની હતી. આગ ઉપર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડના કાફલાએ ભારે જહેતમ ઉઠાવી હતી. આગની ઘટના બાદ કંપનીમાં રહેલા લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. સાથે સાથે આસપાસ રહેલા લોકોમાં પણ ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે, ત્રણ લોકોને બચવાની તક મળી ન હતી. મૃત્યુ પામેલા ત્રણ લોકોની મોડી સાંજ સુધી ઓળખ થઇ શકી ન હતી. બીજી બાજુ પોલીસે આગની ઘટનાના સંદર્ભમાં હજુ કોઇ વાત કરી નથી. પ્રાથમિક તપાસ ચાલી રહી છે. આગ ફાટી નિકળવા માટેના કારણો પ્રાથમિકરીતે જાણી શકાયા નથી. ફાયર સેફ્ટીને લઇને પણ લોટસ લેબલ કંપનીમાં સુવિધા હતી કે કેમ તે સંદર્ભમાં પોલીસે કોઇ વાત કરી નથી. તપાસ કરવામાં આવ્યા બાદ જ વિગતો ખુલશે.