અમદાવાદ, તા.૬
અમદાવાદમાં વર્ષ ર૦૦૯માં ઓઢવમાં થયેલા લઠ્ઠાકાંડ કેસમાં સ્પેશિયલ સેશન્સ કોર્ટે ચુકાદો આપતા ૬ લોકોને દોષિત જાહેર કરી સાડા ત્રણ વર્ષથી ૧૦ વર્ષ સુધીની સજા ફટકારી છે. જો કે, ઓઢવમાં થયેલા લઠ્ઠાકાંડમાં ૧ર૩ લોકોનાં મોત થયા હતા, જ્યારે ર૦૦ લોકોને શારીરિક નુકસાન થયું હતું, ત્યારે આ કેસમાં ૩૯ આરોપીમાંથી કોર્ટે ૬ આરોપીને દોષિત જાહેર કર્યા હતા, જ્યારે બાકીના ૩૩ આરોપીને નિર્દોષ છોડી મૂકયા છે.
ઓઢવમાં ૯થી ૧૧ જૂન, ૨૦૦૯ના રોજ થયેલા લઠ્ઠાકાંડમાં ૧૨૩ લોકોના મોત થતા સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો. આ મામલે આજે સેશન્સ કોર્ટે મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરી સહિત છ આરોપીને દોષિત જાહેર કર્યાં છે. ૩૯ આરોપીમાંથી ત્રણ મહિલા અને ત્રણ પુરુષને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે આ તમામ દોષિતો એવા વિનોદ ડગરી, જયેશ ઠક્કર,અરવિંદ તળપદાને ૧૦-૧૦ વર્ષની કેદની સજા અને ૫૦-૫૦ હજાર દંડ ફટકાર્યો છે. જ્યારે નંદાબેન જાની, મીનાબેન રાજપૂત અને જસીબેન ચુનારાને સાડા ત્રણ-સાડા ત્રણ વર્ષની કેદની સજા અને ૨૫૦૦-૨૫૦૦નો દંડ કર્યો છે. જ્યારે ૩૩ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા છે. કેસની સુનાવણી દરમિયાન ૬૫૦ જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી આરોપીના વકીલની દલીલ, કાગડાપીઠ અને ઓઢવ લઠ્ઠાકાંડની સજાને એક ગણવી જોઈએઃ સુનાવણી દરમિયાન આરોપીઓના વકીલે દલીલ કરી હતી કે, કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને ઓઢવ પોલીસ સ્ટેશનનો કેસ એક જ હોવાથી અમારા અસીલ કાગડાપીઠ કેસમાં સજા ભોગવી ચુક્યા છે. જેથી બન્ને સજાને એક જ ગણવી જોઈએ. બન્ને કેસમાં એક જ સાથે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટ દયા કરીને, ઓછામાં ઓછી સજા કરે. ૯થી ૧૧મી જૂન, ૨૦૦૯ દરમિયાન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં લઠ્ઠાકાંડ થયો હતો. આ બનાવમાં ઓઢવ વિસ્તારમાં ૧૨૩ લોકોનાં મોત થયા હતા, જ્યારે ૨૦૦ લોકોને અન્ય તકલીફો થઈ હતી. આ પહેલા ૨૮મી માર્ચ, ૨૦૧૯ના રોજ શહેરમાં કાગડાપીઠમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે સેશન્સ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં કોર્ટે ૧૦ આરોપીઓને દોષિત જાહેર કર્યાં હતાં. આ પહેલા ગત માર્ચમાં શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ ૨૦૦૯માં થયેલા લઠ્ઠાકાંડ મામલે સ્પેશિયલ કોર્ટે ૧૦ આરોપીને દોષિત જાહેર કર્યા હતાં. જેમાં મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરી ઉર્ફે ચંદુ ચૌહાણ, અરવિંદ ઉર્ફે ઘનશ્યામ તળપદા અને અન્ય ૮ મહિલાઓનો સમાવેશ થાય છે. આ મામલે વિનોદ ડગરીને ૧૦ વર્ષની સજા અને ૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કેસમાં કુલ ૨૫ આરોપી હતા. જેમાં ૧૦ દોષિત અને ૧૨ નિર્દોષ જ્યારે ત્રણ આરોપી ફરાર છે.