(એજન્સી) ભુવનેશ્વર, તા.૧૮
ઉડીસા હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ ઈશરત મસરૂર કુદ્દુસી વિરૂદ્ધ મનીલોન્ડ્રિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પૂર્વ ન્યાયાધીશ કુદ્દુસી પર લખનૌની એક મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના પ્રવેશની અનુમતિ માટે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન પૈસા લેવાનો આરોપ મૂકાયો છે. સીબીઆઈની એફઆઈઆરના આધારે ગત અઠવાડિયે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ર૦ સપ્ટેમ્બરના રોજ કુદ્દુસી અને અન્ય પાંચ આરોપીઓની ધરપકડ કરી તેમની મિલકતની તપાસ હાથ ધરવામાં આવી હતી. સીબીઆઈ તેમજ ઈડીના સૂત્રો મુજબ કુદ્દુસી અને અન્ય પાંચ આરોપીઓએ આ મામલાને થાળે પાડવા મેડિકલ કોલેજ પાસે ત્રણ કરોડ રૂપિયાની માંગ કરી હતી. તપાસ ટુકડીએ લગભગ ૮૦ ફોનકોલ રેકોર્ડ કર્યા બાદ આ કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈ દ્વારા આ પૂર્વ ન્યાયાધીશ પાસેથી ૧૮૬ કરોડ રૂપિયા સહિત અન્ય કેટલાક દસ્તાવેજો જપ્ત કરાયા છે. હાલ તમામ આરોપીએ જામીન પર છે. એક મીડિયા અહેવાલ અનુસાર કુદ્દુસીની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપી બી.પી.યાદવ પાસેથી પહેલો હપ્તો વસૂલી લેવામાં આવ્યો હતો. સીબીઆઈના અન્ય બે આરોપીઓને રિમાન્ડ પર લેવા ઈચ્છે છે જેથી મનીલોન્ડ્રિંગના આ પૈસા કયા માધ્યમથી કોને કોને પહોંચાડવા છે તે જાણી શકાય.