(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
ઓરિસ્સાના આઈએએસ અધિકારીઓના એસોસિએશને કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના નિવેદનની ટીકા કરી વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યના પાટનગર ભુવનેશ્વરમાં એક કાર્યક્રમમાં પ્રધાને રાજ્યના આઈટી વિભાગના સચિવ અશોક મીનાને નિશાન બનાવી તેમની ઝાટકણી કાઢી હતી.
અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, આઈએએસ એસોસિએશને રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયકને મળી તેમને આવેદનપત્ર સુપરત કર્યું હતું. એસોસિએશને જણાવ્યું હતું કે, ભુવનેશ્વરમાં એનઆઈસી ડેટા સેન્ટરના ઉદ્‌ઘાટન પ્રસંગે કરેલા નિવેદનમાં પ્રધાને આઈટી સેક્રેટરી અશોક મીનાને નિશાન બનાવ્યા હતા. એસોસિએશને જણાવ્યું હતું કે, હાલમાં દેશમાં એક નવું ચલણ ચાલે છે. રાજકારણ સાથે જોડાયેલા લોકો દેશમાં ફરજ બજાવતા અધિકારીઓ પર વ્યક્તિગત રીતે હુમલા કરે છે. પ્રધાને મીના પર કરેલા શાબ્દિક પ્રહારો તેનું તાજું ઉદાહરણ છે. ઓરિસ્સા આઈએએસ ઓફિસર એસોસિએશનના સચિવ વીશાલ દેવે જણાવ્યું હતું કે, અમલદારશાહી અને રાજકારણ વહીવટની બે બાજુઓ છે. જેથી એક મેકનું સન્માન જાળવીએ તે જરૂરી છે. આ અગાઉના વર્ષોમાં આ પ્રકારે જ ખૂબ સરળતાથી કામ થતું હતું.