મહાત્મા મંદિર ખાતે યોજાયેલ નોબેલ લોરિયેટ્‌સ પરિસંવાદ

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૦

ગ્લોબલ વર્સિસ લોકલ રિસર્ચને મહત્ત્વ આપતા મૂળ ભારતીય અને કેમિસ્ટ્રીના નોબલ પારિતોષિક વિજેતા ડો.વેંકટરામન રામાક્રિશ્નને જણાવ્યું હતું કે છેલ્લા ૧પ-ર૦ વર્ષમાં ભારતે તબીબી ક્ષેત્રે નવા આયામો સર કર્યા છે. મેલેરિયા, ડાયરિયા અને ડેન્ગ્યુ જેવા ઘાતક વાયરસ ક્ષેત્રે ભારતે વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ભારતીય બાયોટેકનોલોજિકલ સંશોધકો પાસે ભારત સંબંધિત સમસ્યાઓને ઉકેલવા અને સંશોધનો કરવા વધુ સારી તકો છે. ભારત પાસે રપ લાખ જેટલા વિવિધ ક્ષેત્રોમાં યુવાધન અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ યુવાધનને સંશોધનક્ષેત્રે સાચંુ માર્ગદર્શન મળી રહે તેવા પ્રયાસો કરવા જોઈએ. તેમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૭ના ભાગરૂપે મહાત્મા મંદિર ખાતે વિશ્વના નવ નોબેલ લોરિએટસ સાથે બૌદ્ધિક પરિસંવાદ યોજાયો હતો.  વેંકીના હુલામણ નામથી જાણીતા વૈજ્ઞાનિક ડો. વેંકટરામને વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષે રપ લાખથી વધુ વિદ્યાર્થીઓ ભારતની શૈક્ષણિક વ્યવસ્થામાં પ્રવેશે છે ત્યારે ભારતે શૈક્ષણિક આંતરમાળખાને ઊભું કરવા માટે મોટું રોકાણ કરવાની જરૂર છે. માઈક્રોબાયોલ, પેથોજેનેસિસ, જેનોમ ક્ષેત્રે અર્થપૂર્ણ સંશોધનો માટે અસીમ તકો રહેલી છે. સાયકોલોજી ક્ષેત્રે નોબલ પારિતોષિક મેળવનાર ડો.રિચર્ડ રોબર્ટે જણાવ્યું હતું કે ભારત કૃષિ ક્ષેત્રે વિશ્વમાં અગ્રેસર છે. ભારત જીએમ (જિનેટીકલી મોડિફાઈડ) પાકનો લાભ ઉઠાવી લાખો ખેડૂતોને રોજગારી અને આવકમાં વધારો કરે તેવા સંશોધનો કરવા પર ભાર મૂક્યો હતો. બી.ટી. કોટન ભારતમાં અત્યારસુધીનો સૌથી સફળ ઉત્પાદન છે ત્યારે જીનેટિકલી મોડિફાઈડ પાક અંગે પણ સર્તકતા કેળવી આ દિશામાં પણ નવા આયામો સર કરી શકાય છે. આ પ્રસંગે ડો.રેન્ડી ચેકમેને જણાવ્યું હતું કે ભારતમાં જાહેર શૈક્ષણિક સંસાધનોને સુધારવાની તાતી જરૂર છે. આ જાહેર સંસ્થાનોમાં જો ઉત્તમ શિક્ષણ પીરસવામાં આવે તો ભવિષ્યનું નિર્માણ કરનાર યુવાનો માટે આશીર્વાદરૂપ નિવડી શકે છે ત્યારે વેન્કીએ સંવાદ વચ્ચે જણાવ્યું હતું કે યુએસ તેની ઉચ્ચ એજ્યુકેશન સિસ્ટમ માટે જાણીતું છે. ત્યાંની કોલેજોમાં વિદ્યાર્થીઓને માત્ર વર્ગખંડ પૂરતા સીમિત રખાતા નથી તેઓને સંશોધન કરવા નવા વિચારલક્ષી પ્રોજેક્ટ બનાવવા, પ્રોત્સાહિત કરવામાં આવે છે તેમજ તેમને વિજ્ઞાનના સંશોધન ક્ષેત્રે આગળ વધવા માટે અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓ કરવા સમર કેમ્પ, સમર કોલેજોનો સહારો લેવા જણાવાય છે.  અત્રે ઉલ્લેખનીય છે કે નોબલ લોરિએટસમાંથી ખ્યાતનામ વૈજ્ઞાનિકોમાં ડો. હેરોલ્ડ વર્મુસ,  વર્ષ ર૦૦૪માં ભૌતિક શાસ્ત્રમાં નોબલ પુરસ્કાર વિજેતા અને ઈન્ડિયન એકેડેમી ઓફ સાયન્સના સભ્ય ડો. ડેવિડ જે.ગ્રોસ, ડો. સર્જ હેરોચ અને ડો. હાર્ટમૂટનો સમાવેશ થાય છે. તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારના મહાનુભાવો, અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.