(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
નાણા મંત્રાલય અંતર્ગત દેશની મુખ્ય નાણા બાબતોની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. એવી ચર્ચા છે કે, ઇડીના પ્રમુખ કરનૈલ સિંહે આ વર્ષે ૨૬ ઓક્ટોબરના રોજ પોતાનો બે વર્ષનો નિશ્ચિત કાર્યકાળ પૂરો કર્યા બાદ કાર્યકાળને વધારવાનો ઇન્કાર કરી દીધો છે. તેમણે સરકારને માહિતગાર કરી દીધી છે કે, તેઓ હવે આ પદ પર જળવાઇ રહેવા માગતા નથી. સરકારમાં ઉચ્ચ પદો પર રહેલા સૂત્રોએ કહ્યું છે કે, કરનૈલ સિંહને ત્રણ મહિના એક્સટેન્શન આપવાનું કહેવાયું છે જેથી તેમના ઉત્તરાધિકારીને શોધી શકાય. સરકાર એક આઇપીએસ અધિકારીને સ્થાને ઇડીમાં એક વરિષ્ઠ આઇએએસ અધિકારીને નિયુક્ત કરવા માગે છે. જોકે, કરનૈલ સિંહ સરકારના માનીતા રહ્યા છે પણ ઇડીમાં વિવાદાસ્પદ અધિકારી રાજેશ્વર સિંહના પદ પર જાળવી રહેવા અંગે તેઓ સરકારના નિશાના પર આવી ગયા છે.
એવું કહેવામાં આવે છે કે, નાણા મંત્રાલય દિલ્હીમાં રાજેશ્વર સિંહના પદ પર જાળવાઇ રહેવાનો વિરોધ કરી રહ્યો છે જે ટુજી અને કોલસા કૌભાંડ જેવા સંવેદનશીલ કેસોને સંભાળી રહ્યા છે. રાજેશ્વર સિંહ વિરૂદ્ધ એક ફરિયાદની તપાસ પણ સીબીઆઇ દ્વારા કરાઇ છે. રૉએ પણ તેમની વિરૂદ્ધ એક રિપોર્ટ સોંપ્યો છે. કરનૈલસિંહ તેમના મામલે પોતાના વલણ મક્કમ રહ્યા હતા અને એટલે સુધી કે સીવીસી દ્વારા તેમને ક્લિન ચીટ આપી દેવામાં આવી. રાજેશ્વર સિંહને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી ગઇ પણ કેસ સીબીઆઇમાં પેન્ડિંગ છે. એક પત્રકાર ઉપેન્દ્ર રાયની પીએમએલએ અંતર્ગત કરાયેલી ધરપકડને લઇ સીબીઆઇ, ઇડી અને રાજકીય માલિકો વચ્ચે વિવાદ સામે આવ્યો. એવું કહેવામાં આવે છે કે, સરકાર રાજેશ્વર સિંહનું સમર્થન કરવા માટે કરનૈલ સિંહથી ખુશ નથી. કરનૈલ સિંહના ઉત્તરાધિકારીને લઇ સરકારે અત્યારસુધી નિર્ણય કર્યો નથી અને સ્થિતિ એટલે સુધી પહોંચી ગઇ છે કે, નાણા મંત્રાલયે તેમને ત્રણ મહિના સુધી પદ પર જળવાઇ રહેવા કહ્યું છે જેથી તેમના ઉત્તરાધિકારી પસંદ કરી શકાય. એી સંભાવના છે કે, આઇએએસ અધિકારી અને નાણા મંત્રી અરૂણ જેટલીના પૂર્વ અંગત સચિવ સિમાંચલા દાસને ઇડીનો કાયમી કાર્યભાર સોંપી શકાય. દાસ ઇડીમાં મુખ્ય નિષ્ણાત છે.