(એજન્સી)
વોશિંગ્ટન/લંડન/તેહરાન, તા. ૨૦
ઇરાને બ્રિટનના બે તેલ ટેન્કરો પર કબજો જમાવતા વિશ્વભરમાંં ખળભળાટ વ્યાપી ગયો છે. બ્રિટને એક નિવેદન જારી કરી આ વાતને અનુમોદન આપ્યું છે કે, ઇરાને તેના બે તેલ ટેન્કરને કબજામાં લીધા છે. સાથે જ બ્રિટને ઇરાનને તેલ ટેન્કર નહીં છોડવા અંગે પરિણામ ભોગવવાની ચેતવણી પણ આપી છે. આ પહેલા ઇરાનના રિવોલ્યૂશરી ગાડ્‌ર્સે જણાવ્યું હતું કે, તેમણે તેલના બે એવા ટેન્કરને કબજામાં લીધા છે જેના પર બ્રિટનના ઝંડા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રિવોલ્યૂશનરી ગાડ્‌ર્સની આ કાર્યવાહી બ્રિટનના પગલાંના બે અઠવાડિયા બાદ થઇ છે જ્યારે બ્રિટને ઇરાનના એક ટેન્કરને કબજામા લીધું હતું. ઇરાનની તસનીમ ન્યૂઝ એજન્સી અનુસાર એક બ્રિટિશ દ્વારા ઓપરેટ કરવામાં આવતા બીજા જહાજને કબજામાં લેવામાં આવ્યું નથી. એજન્સી અનુસાર જહાજને ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર કબજામાં લેવાયેલા જહાજમાં ૨૩ ક્રૂ સભ્યો છે જેમાં ૧૮ ભારતીય મૂળના નાગરિકો છે. અધિકારીઓએ અમે સતત ઇરાન સરકારના સંપર્કમાં છીએ જેથી તમામ ભારતીય બંધકોને છોડાવાઇ શકાય. નોંધનીય છે કે, ઇરાન અને બ્રિટન વચ્ચે છેલ્લા થોડા સમયથી સંબંધો ખરાબ ચાલી રહ્યા છે.
ઇરાનના ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાડ્‌ર્સ કોર્પ્સે કહ્યું કે, બ્રિટનના ઝંડાવાળા સ્ટેનો ઇમ્પેરો જહાજને આંતરરાષ્ટ્રીય સીમાના ઉલ્લંઘન બદલ હેલિકોપ્ટર અને ચાર શિપ્સની મદદથી ઘેરી લીધું હતું અને બાદમાં પોતાના કબજામાં લીધું હતું. જહાજમાં ભારતીયો ઉપરાંત રશિયા, લેટિવિયા અને ફિલિપીન્સના નાગરિકો પણ સામેલ છે. ઇરાનના રિવોલ્યૂશનરી ગાડ્‌ર્સ કોર્પ્સે પોતાની વેબસાઇટ પર ટેન્કર કબજે લેવાની જાણકારી આપી છે જેમાં કહેવાયું છે કે, શિપને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ કાનુન નહીં માનવા બદલ કબજામાં લેવાયું છે. એજન્સી અનુસાર જહાજને ઇરાનના કોઇ બંદર પર જ રાખવામાં આવ્યું છે. જોકે, બ્રિટિશ સરકાર અને શિપિંગ કંપની પાસેથી કોઇ ચોક્કસ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. દરમિયાન બ્રિટને ઘટનાને ગંભીર રીતે લેતા ચેતવણી જારી કરી હતી. બ્રિટનના વિદેશ મંત્રી જેરેમી હંટે જણાવ્યું હતું કે, જો ઇરાન વહેલી તકે જહાજને નહીં છોડે તો તેણે આના ગંભીર પરિણામ ભોગવવા પડશે. બીજી બાજુ તેમણે આ બાબતને સૈન્ય કાર્યવાહીને બદલે રાજદૂતાવાસીય રીતે ઉકેલવા પર ભાર મુક્યો હતો. હંટે કહ્યું કે, ઇરાનમાં અમારા રાજદૂત સતત વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે. બ્રિટિશ સરકારની ઇમરજન્સી કમિટી કોબરાએ આ ઘટના અંગે ચર્ચા માટે બેઠક બોલાવી હતી.શિપિંક કંપનીના પ્રવક્તાઓએ જહાજમાં તેમના ક્રૂ મેમ્બર સલામત હોવાની વાત કરી હતી. જોકે, શિપની સંપૂર્ણ જાણકારી મળી ન હતી. લાઇબેરિયન ઝંડાવાળા મેસ્ડર તેલ ટેન્કરના બ્રિટિશ માલિકે જણાવ્યું હતું કે, જહાજને થોડી વાર માટે રોકાયું હતું પણ બાદમાં તેને જવા દીધું હતું આ ઉપરાંત તમામ ક્રૂ મેમ્બરો પણ સુરક્ષિત છે. નોંધનીય છે કે, બે અઠવાડિયા પહેલા બ્રિટન દ્વારા ઇરાનના તેલ ટેન્કરને કબજામાં લેવાયું હતું અને બાદમાં જણાવાયું હતું કે તેને ૩૦ દિવસ સુધી બાનમાં રાખવામાં આવશે. બ્રિટને પણ તે વખતે જહાજ પર સિરિયા વિરૂદ્ધ યુરોપિયન યુનિયનના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.
તંગદિલી વધતા ઇરાનના કટ્ટર દુશ્મન સઉદી અરબે કહ્યું હતું કે, આંતરિક સુરક્ષા વધારવા માટે તે પોતાની ધરતી પર વધુ અમેરિકન દળોને આવકારશે. આ તંગદિલી ત્યારથી વ્યાપી રહી છે જ્યારે ઇરાન દ્વારા અમેરિકાના એક ડ્રોનને તોડી પડાયું હતું અને ત્યારબાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લી ઘડીએ ઇરાન પરના હવાઇ હુમલાને રોકી દેવાનો આદેશ આપ્યો હતો. સાથે જ અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે, ઇરાન ટેન્કરો પર હુમલા કરી રહ્યું છે. ઇરાનના પોર્ટ બંદાર અબ્બાસ ખાતેના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, સ્ટેના ઇમ્પેરો જહાજ શુક્રવારે સઉદી અરબ જઇ રહ્યું હતું ત્યારે તે ફીશીંગ જહાજ સાથે ટકરાયું હતું ત્યારબાદ તેને કબજામાં લેવાયું હતું. હોર્મોઝગાન પ્રાંતના ડાયરેક્ટર જનરલ અલ્લાહમોરાદ અફીફીપૂરે કહ્યુ કે, પોતાના માર્ગ પર જહાજ એક ફીશીંગ બોટ સાથે ટકરાયું છે અને કાયદા અનુસાર અકસ્માત બાદ અકસ્માતના કારણોની તપાસ કરવી જરૂરી છે. હોર્મુઝગાન પ્રાંત પોર્ટ અને મેરિટાઇમ સત્તાવાળાઓ દ્વારા અકસ્માતના કારણોની તપાસ શરૂ થઇ ગઇ છે. દરમિયાન ફિલિપીન્સે જણાવ્યું હતું કે, ૧૮ ભારતીયો, ત્રણ રશિયન, એક લેટિવિયન અને એક ફિલિપીન્સના ક્રૂ સભ્યોનો સંપર્ક તૂટી ગયો છે.

૧૮ નાગરિકોની સુરક્ષિત મુક્તિ માટે ભારતના પ્રયાસ શરૂ

ા્‌શિપ કેપ્ટન સહિત ૧૮ ભારતીયો સાથેના ૨૩ સભ્યોવાળા બ્રિટિશ ઝંડાવાળા તેલ ટેન્કરને ઇરાન દ્વારા હોર્મુઝના અખાતમાં કબજામાં લેવાયા બાદ વિશ્વમાં તંગદિલી વ્યાપી છે. ભારતે શનિવારે જણાવ્યું હતું કે, તે ભારતીય ખલાસીઓની મુક્તિ માટે સતત તેહરાનના સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, આ ઘટનાની વધુ વિગતો મેળવાઇ રહી છે. અમારૂં મિશન સતત ઇરાન સરકારના સંપર્કમાં રહેવા અને ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે મુક્ત કરાવવા પર છે. હોર્મુઝગાન પ્રાંતમાં બંદરો અને મેરિટાઇમ બોર્ડના ડાયરેક્ટર જનરલ અલ્લાહમોરાદ અફીફીપૂરે કહ્યું હતું કે, અમે કબજામાં લીધેલા સ્ટેના ઇમ્પેરો જહાજમાં ૧૮ ભારતીય સહિત અન્ય પાંચમાં ત્રણ રશિયા, એક ફિલિપાઇન્સ અને એક લેટવિયાના નાગરિકો છે.

ઇરાન અમારા તેલ ટેન્કરને મુક્ત નહીં કરે તો ગંભીર પરિણામ આવશે : બ્રિટનની ચેતવણી

હોર્મુઝના અખાતમાં ઇરાન દ્વારા બ્રિટનના તેલ ટેન્કરને કબજામાં લેવાયા બાદ બ્રિટને ઇરાનને સીધી ચેતવણી આપી છે કે, જો તે આ ટેન્કરને મુક્ત નહીં કરે તો તેણે ગંભીર પરિણામ ભોગવવા પડશે. બ્રિટનના વિદેશ સેક્રેટરી જેેરમી હંટે જણાવ્યું કે, સ્થિતિ સંપૂર્ણ રીતે ચલાવી લેવાય તેમ નથી અને નેવીગેશનની આઝાદીને જાળવી રાખવી જ જોઇએ. તેમણે ઉમેર્યું કે, અમે ચોક્કસ રીતે સ્પષ્ટ છીએ કે, આ સ્થિતિ ઝડપી રીતે ઉકેલાશે નહીં તો તેના પરિણામ ગંભીર આવશે. જોકે, સાથે જ તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે સરકાર કોઇ સૈન્ય વિકલ્પ વિશે વિચારી રહી નથી. આ સ્થિતિ ઉકેલવા માટે અમે દૂતાવાસીય માર્ગ શોધી રહ્યા છીએ પણ અમે એ વાતે સ્પષ્ટ છીએ કે, આ મુદ્દો વહેલી તકે ઉકેલાવો જોઇએ. જ્યારે બ્રિટન સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે, બ્રિટન સરકાર ઇરાનના અસ્વીકાર્ય પગલાં અંગે ગંભીર રીતે ચિંતિત છે અને આ પગલાં ફરવાની આઝાદીને સીધો પડકાર છે. અમે બ્રિટનના જહાજોને થોડા સમય માટે જ્યાં હોય ત્યાંજ રહેવાની સલાહ આપી છે.