‘આધાર’ હવે જિંદગી કે સાથ ભી ઔર જિંદગી કે બાદ ભી
(એજન્સી) નવી દિલ્હી, તા.૪
ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે હવે મૃત્યુ નોંધણી વખતે આધારકાર્ડ ફરજિયાત પણે આપવું પડશે. સરકારે આજે નોટિફિકેશન બહાર પાડી જાહેરાત કરી છે કે મૃત્યુની ખરાઈ અને મૃત્યુનું સર્ટિફિકેટ મેળવવા માટે મૃત્યુ પામનારના સગાઓ છે. મૃત્યુ પામનારના આધારની વિગતો આપવાની રહેશે. જેથી વિગતોની ખાતરી કરી શકાય. ૧લી ઓક્ટોબર ર૦૧૭થી આ જોગવાઈ લાગુ કરવામાં આવશે. જેથી મૃત્યુ સર્ટિફિકેટ બાબત થતી છેતરપિંડીઓને રોકી શકાય. અને બીજું મૃત્યુ પામેલ વ્યક્તિની ઓળખ સાબિત કરવા ઘણા બધા દસ્તાવેજી પૂરાવાઓ આપવા પડતા હતા જેમાંથી પણ રાહત રહેશે. ગૃહમંત્રાલયે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશને આદેશો આપ્યા છે કે જન્મ-મરણની નોંધ કરનાર નોંધણી વિભાગે આનું પાલન ચુસ્તપણે કરવાનું રહેશે. વીમાના દાવાઓ ઉપરાંત અન્ય સરકારી કાર્યો માટે પણ મૃત્યુના સર્ટિફિકેટની જરૂર પડે છે. આ પહેલા સરકારે આધારકાર્ડને પાનકાર્ડ, પાસપોર્ટ આવકવેરા પત્રક અને પી.એફ. ખાતા માટે ફરજિયાત કર્યું છે.

આધાર નંબર લિંક ન કરાવતાં મોબાઇલ નંબર બંધ થઇ જશે

(એજન્સી)નવી દિલ્હી, તા.૪
હાલના સમયમાં આધાર ફક્ત ઓળખ માટે જ નહીં પરંતુ સરકારી સોશિયલ સિક્યોરિટી અને નાણાકીય બાબતો માટે પણ જરૂરી દસ્તાવેજ બની ગયું છે. આધાર કાર્ડ વગર ઇન્કમ ટેક્ષ ફાઇલ કરવો અને બેન્ક એકાઉન્ટ ખોલવા જેવા મૂળભૂત કાર્યો પણ થઇ શકતાં નથી. ટેલિકોમ વિભાગે જારી કરેલા સરક્યુલર અનુસાર આ વર્ષે માર્ચથી નવા મોબાઇલ નંબર માટે આધાર સાથે સંબંધિત ઇ-કેવાયસી હવે જરૂરી છે.સરક્યુલરમાં ટેલિકોમ કંપનીઓને હાલના યુઝર્સના નંબરની પણ આધાર વેરિફિકેશન પ્રક્રિયા પૂરી કરવાનું કહેવામાં આવ્યું છે. આ વેરિફિકેશન આધાર નંબર અને તેમની બાયોમેટ્રિકલ ડિટેઇલ દ્વારા થશે. આ માટે ટેલિકોમ કંપનીઓને એક વર્ષનો સમય આપવામાં આવ્યો છે. આધાર સાથે સંબંધિત ઇ-કેવાયસી તમે મોબાઇલ નંબર વિના કરી ન શકો. જો ઇ-કેવાયસી ન કરવામાં આવે તો તમારો મોબાઇલ નંબર બંધ થઇ શકે છે. ઇ-કેવાયસી માટે તમારે તમારા હાલના મોબાઇલ નંબરને આધાર સાથે લિંક કરવો જરૂરી બની જશે. આધાર નંબર લિંક કરાવ્યા વિના તમે આધાર સાથે સંબંધિત કોઇ પણ સેવાનો લાભ નહીં લઇ શકો. હકીકતમાં આધાર સાથે જોડાયેલી મોટાભાગની સેવાઓ ઓટીપી આધારિત છે અને મોબાઇલ નંબર વગર ઓટીપી મળવો શક્ય નથી.