(એજન્સી) ચંદીગઢ, તા.ર૭
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રાજ્યમાં મોટાપાયે હિંસા અને આગજલીના ડેરા સચ્ચાના અનુયાયીઓના તાંડવને રોકવામાં હરિયાણાની મનોહરલાલ ખટ્ટર સરકારની નિષ્ફળતાની ઝાટકણી કાઢી હતી. રામ-રહીમસિંહને સીબીઆઈ અદાલતે રેપ કેસમાં દોષિત ઠરાવ્યા બાદ ડેરા સૌદાના ચેલાઓએ હરિયાણા અને પંજાબમાં હિંસાનું તાંડવ મચાવ્યું હતું. મુખ્ય ન્યાયમૂર્તિના અધ્યક્ષ પદવાળી હાઈકોર્ટના ત્રણ ન્યાયમૂર્તિઓની ખંડપીઠે હિંસાના તાંડવની સુનાવણી દરમિયાન સરકાર પર વોટ બેંકને રાજી રાખવા રાજકીય શરણાગતિનો આરોપ લગાવ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એસ.સરોન, ન્યાયમૂર્તિ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ અવનીશ જીંગને આશ્ચર્ય વ્યકત કર્યું કે પોલીસ પંચકુલા ખાતે ર લાખ ડેરા સચ્ચાના ચેલાઓને તંત્ર પ્રતિબંધિત હુકમો હોવા છતાં એકઠા થતાં રોકવામાં કેસ નિષ્ફળ નિવડ્યું ?
અદાલતે આ મુદ્દે કેન્દ્ર સરકારને પણ સ્થિતિ સામે ઘૂંટણીએ પડી જવા બદલ જવાબદાર ઠેરવી વડાપ્રધાન મોદીને યાદ અપાવ્યું કે તેઓ સમગ્ર દેશના વડાપ્રધાન છે, કોઈ એક ખાસ રાજકીય પક્ષના નથી. અદાલતે આ મુદ્દે તેના નિરીક્ષણ બાદ કહ્યું કે હરિયાણાની ભાજપ સરકાર રાજકીય મુદ્દે વિચારી ડેરા સચ્ચાના ચેલાઓને શરણે થઈ ગઈ હતી. કોર્ટે મનોહરલાલ સરકારને તેની નિષ્ફળતા બદલ પૂછયું હતું.
હાઈકોર્ટના ત્રણ ન્યાયમૂર્તિઓએ હિંસાના તાંડવ કેસની સુનાવણી દરમિયાન સરકારને બરાબર ભીડાવી હતી.
મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એસ.સરોન (૬૧ વર્ષ) સાફસૂફીમાં માને છે. તેઓ ઘણા કેસોમાં રાષ્ટ્રીય કક્ષાએ મુખ્ય સમાચારમાં ચમક્યા છે. જેમાં ર૦૧૬માં જાટ હિંસા કેસ તેમજ હરિયાણામાં સંસદીય સચિવોની નિમણૂકોને રદ કરવાનો ચુકાદો ચર્ચાનો વિષય બન્યા હતા. ન્યાયમૂર્તિ સરોને ૧૯૮૦માં સંગરૂરમાં વકીલની પ્રેક્ટિસ કરી હતી. તેઓએ પછીથી પંજાબ સરકારમાં કાનૂન અધિકારી તરીકે સેવા આપી હતી. ર૦૦રમાં તેઓ ન્યાયાધીશ પદે નિમાયા હતા. ન્યાયમૂર્તિ સરોને જાટ આંદોલન સમયે જાહેરહિતની અરજીમાં રેપ કેસમાં ચુસ્ત તપાસ નહીં કરવા બદલ સરકારની ઝાટકણી કાઢી હતી. ઉપદ્રવ્યો દ્વારા ૧૦ મહિલાઓને કારમાં ખેંચી નાંખી બળાત્કાર કરાયો હતો. તે કેસમાં કોર્ટે સખ્ત કાર્યવાહી માટે સરકારને નિર્દેશ આપ્યો હતો. અગાઉ પંજાબ સરકારના મંત્રી અને ક્રિકેટર નવજોત સિદ્ધુના ટીવી શોમાં કોમેડિયન રોલ સામે જાહેરહિતની અરજી રદ કરી હતી. તેમણે કહ્યું હતું કે જાહેર જીવનમાં દરેકે મર્યાદા રાખવી જોઈએ અને રાજકીય નેતાઓને નૈતિક પાઠ ભણાવવાનું શરૂ કરી શકતા નથી. સપ્ટેમ્બર-૩ના રોજ તેઓ નિવૃત્ત થાય છે.
ન્યાયમૂર્તિ સૂર્યકાંત : ન્યાયમૂર્તિ સૂર્યકાંત હાલમાં ૬ હજાર કરોડના પંજાબ પોલીસના કેફી દ્રવ્યોના રેકેટના કેસનું ખાસ ખંડપીઠના અધ્યક્ષ તરીકે નિરીક્ષણ કરી રહ્યા છે. તેઓ બહાદૂર ન્યાયમૂર્તિ છે. તેમના ઘણા નોંધવા લાયક ચુકાદા છે જેમાં જેલના કેદીઓના વૈવાહિક હક્કની વ્યવસ્થા તેમજ રાજ્ય સરકારના ૩પ૦ એકર જમીન ગુરૂગાંવ રીયલ એસ્ટેટ ડીઆઈએફને ફાળવવાના નિર્ણયને રદબાતલ ઠરાવ્યો હતો.
ન્યાયમૂર્તિ કાંતે હિસાર જિલ્લા કોર્ટમાં ૧૯૮૪માં વકીલાત શરૂ કરી હતી. ૩૮ વર્ષે તેઓ હરિયાણા રાજ્યના યુવાન એડવોકેટ જનરલ બન્યા હતા. ૪ર વર્ષે તેઓ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ વરાયા.
ન્યાયમૂર્તિ અવનીશ જીંગન – ન્યાયમૂર્તિ જીંગન ત્રણ ન્યાયમૂર્તિઓમાં યુવાન છે. તેઓ ૪૮ વર્ષના છે. સિવિલ ટેક્સેસનના કેસો સાથે સંબંધ ધરાવે છે. તેઓ ચંદીગઢ નગર નિગમમાં સરકાર દ્વારા નિયુક્ત કાઉન્સિલરોને મતદાનના અધિકાર અંગેના કેસમાં ન્યાયમૂર્તિ સરોન સાથે સહયોગી હતા.