કોડીનાર,તા.ર૬
કોડીનાર નજીક કરોડા ગામના પાટીયા પાસેથી ગઈકાલે મોડીરાત્રીના પોલીસે કેરીના બોક્ષમાં રૂા.૯૪ લાખની જુની ચલણી નોટો સાથે ત્રણ શખ્સોને પકડી પડ્યાની ચર્ચા લોકોમાં થઈ રહી છે.
આ ઘટનાની જાણવા મળતી વિગત મુજબ ગઈકાલે મોડીરાત્રીના કોડીનાર પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન કરોડા ગામના પાટીયા નજીક ત્રણ શખ્સો મોટરસાયકલ ઉપર કેરીના બે બોક્ષ લઈને નિકળતા પોલીસને શંકા જતા તેને રોકાવી કેરીના બોક્ષ ખોલતા તેમાથી રદ થયેલ જુની પ૦૦-૧૦૦૦ના દરની ચલણી નોટો મળી આવતા આ શખ્સોને પોલીસ સ્ટેશને લાવી કોડીનાર એસબીઆઈ બેંકના મેનેજરને બોલાવી નોટો ગણાવતા કુલ રૂા.૯૮,૪૬,પ૦૦/-ની જુની ચલણી નોટો સાથે જાદવ ભીખાભાઈ સોચા રહે.વ્યાજપુર તા.ઉનાની ધરપકડ કરી હોવાનું પોલીસમાંથી પ્રાથમિક વિગત સાંપડી હતી. આ સમગ્ર પ્રકરણમાં આજે આખો દિવસ વીતી જવા છતા પોલીસે મીડિયાને કોઈપણ જાતની માહિતી આપવાનો ઈન્કાર કરી આ પ્રકરણમાં ગોળ ગોળ વાતો કરી પત્રકારોને માહિતી આપવામાં ગલ્લાતલ્લા કરતા અને ગીર-સોમનાથ એસ.પી. પણ ફોન ઉપાડતા ન હોય આ સમગ્ર પ્રકરણમાં કંઈક મોટું રંધાઈ રહ્યું હોવાની ચર્ચાઓ જાહેરથી ચર્ચાઈ રહી છે અને આ પ્રકરમાં પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાની લોકોમાં ચર્ચા જાગી છે. લોક ચર્ચા મુજબ કેરીના બેથી વધુ બોક્ષ હોવાનું અને આમા કોઈ મોટું માથુ સંડોવાયેલ હોય ગાંધીનગર બેસેલા આકાઓના સિધા માર્ગ દર્શન હેઠળ પોલીસ સમગ્ર મામલો રફે દફે કરી ભીનું સંકેલી રહી હોવાની ચર્ચાઓ જોર શોરથી લોકોમાં થઈ રહી છે. બાકી આટલી મોટી ઘટનામાં ૩ શખ્સો ઝડપાયાની ચર્ચા વચ્ચે પોલીસ સૂત્રોમાંથી ફક્ત ૧ જ શખ્સની ધરપકડ કરાઈ હોવાનું જાણવા મળે છે. ત્યારે પોલીસ આ સમગ્ર મામલે મગનું નામ મરી પાડતી ન હોય આ સમગ્ર પ્રકરણ ટોક ઓફ ધ ટાઉન બન્યું છે.