(એજન્સી) પટના, તા.ર૧
ફેસબુક પર નરેન્દ્ર મોદી ર૦૧૯ નામના ગ્રુપમાં રાયલ સંજયસિંહ રાજપૂત નામના વ્યક્તિએ પોસ્ટ કરી હતી કે બિહારના ભાગલપુરમાં મુસ્લિમોએ શોભાયાત્રા પર પથ્થર ફેંકયા અને આગ લગાવી. હિન્દુઓ તમે માત્ર સૂતા રહો. હિન્દુના સંતાન હોય તો જેટલા ગ્રુપ છે તેમાં શેર કરો. આ પોસ્ટને ૭૪૦૦થી વધુ વાર શેર કરવામાં આવી. ગ્રુપમાં ૮,૪૧,૦૦૦ સભ્યો છે. આ જ પોસ્ટને એક વ્યક્તિએ આઈ સપોર્ટ યોગી આદિત્યનાથ નામના ગ્રુપમાં શેર કરી જેમાં ૪ર,૦૦૦થી વધુ લોકો છે. ઉલ્લેખનીય છે કે, આ પોસ્ટમાં શેર કરવામાં આવેલ વીડિયો આસનસોલમાં થયેલ હિંસાનો છે. તાજેતરમાં શેર કરવામાં આવેલા વીડિયો અને તસવીરો માર્ચ ર૦૧૮ અને તે પહેલાં બનેલી ઘટનાઓની છે. આ અંગે ઓલ્ટ ન્યૂઝે ખુલાસો કરતાં માહિતી આપી હતી કે વ્યક્તિના માથામાંથી ખૂન વહી રહેલ તસવીર ૯ સપ્ટેમ્બર ર૦૧૭ની છે જ્યારે વીડિયો આસનસોલનો છે. અહીં મહત્ત્વનું બને છે કે, સોશિયલ મીડિયા ઉપયોગકર્તા કોઈપણ ખબરનો વિશ્વાસ કરતાં પહેલાં યોગ્ય તપાસ કરે. આજકાલ કોઈપણ ઘટનાને સાબિત કરવા તેને જૂની તસવીરો અને વીડિયો સાથે જોડવામાં આવી રહી છે.