કોટા,તા.૧૦
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બ્રાહ્મણોને સમાજમાં સૌથી શ્રેષ્ઠ જણાવતા કહ્યુ કે આ સ્થાન તેમને ત્યાગ અને તપસ્યાના કારણે મળ્યુ છે. ઓમ બિરલાના નિવેદન પર પ્રશ્નો ઉભા થયા છે. કોંગ્રેસે લોકસભા અધ્યક્ષના નિવેદનની નિંદા કરી છે અને કહ્યુ કે જાતિના આધારે કોઈને પણ નાના મોટા માની શકાય નહીં. રાજસ્થાનના કોટામાં અખિલ ભારતીય બ્રાહ્મણ મહાસભાના કાર્યક્રમને લઈને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ટ્‌વીટ કરતા લખ્યુ છે કે સમાજમાં બ્રાહ્મણોનું હંમેશા ઉંચુ સ્થાન રહ્યુ છે. આ સ્થાન તેમના ત્યાગ અને તપસ્યાનું પરિણામ છે. આ કારણ છે કે બ્રાહ્મણ સમાજ હંમેશાથી માર્ગદર્શકની ભૂમિકામાં રહ્યુ છે. કોંગ્રેસ નેતા પીએલ પુનિયાએ લોકસભા સ્પીકર ઓમ બિરલાના નિવેદનનો વિરોધ કરતા કહ્યુ કે જાતિના આધારે કોઈને નાના કે મોટા જાહેર કરી શકાય નહીં. જાતિ અને જન્મના આધારે નહીં પરંતુ મેરિટના આધારે કોઈ પણ શ્રેષ્ઠ હોય છે. લોકસભા સ્પીકરનું નિવેદન ખોટી માનસિકતાનુ પરિણામ છે. લાયકાતથી લોકો પ્રેરણાસ્ત્રોત બને છે ના કે જાતિથી. લોકસભા અધ્યક્ષના નિવેદન પર બસપાના રાજ્યસભા સભ્ય વીર સિંહે કહ્યુ કે જાતિના આધારે સમાજમાં કોઈ સર્વશ્રેષ્ઠ હોતો નથી પરંતુ તેનો કર્મ તેને શ્રેષ્ઠ બનાવે છે. બ્રાહ્મણને જન્મના આધારે સમાજનો માર્ગદર્શક ગણવો જોઈએ નહીં કેમ કે બ્રાહ્મણ તે હોય છે જે શિક્ષિત અને લાયક હોય છે. ડૉ. ભીમરાવ આંબેડકર ઘણા શિક્ષિત હતા તેમણે સમાજ અને દેશને માર્ગ બતાવ્યો તેથી તેઓ શ્રેષ્ઠ હતા. તેમ જન્મથી કોઈને બ્રાહ્મણ કહેવુ યોગ્ય નથી.