(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
સુપ્રીમકોર્ટે નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લા પાયલટ દ્વારા દાખલ થયેલ અરજી સંદર્ભે જમ્મુ-કાશ્મીર વહીવટને નોટિસ મોકલી છે. સારાએ ઓમર સામે લાગુ કરાયેલ પબ્લિક સેફટી એકટને પડકાર્યો છે. કોર્ટ અરજીની સુનાવણી બીજી માર્ચે કરશે. સુપ્રીમકોર્ટના જજ એન.વી.રામન્નાએ અરજીની તાત્કાલિક સુનાવણી માટે કપિલ સિબ્બલની વિનંતીને રદ કરી હતી. સિબ્બલ સારા તરફે રજૂઆત કરી રહ્યા હતા. સારાએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, આ અરજી હેબિયસ કોર્પસની હતી જેથી અમને આશા હતી કે કોર્ટ તાત્કાલિક સુનાવણી કરશે પણ અમને ન્યાયિક સિસ્ટમમાં વિશ્વાસ છે. અરજીમાં સારાએ જણાવ્યું છે કે, ઓમરની સામે પીએસએ દ્વેષભાવથી લાગુ કરાયો છે જે સંપૂર્ણપણે રાજકીય પ્રેરિત છે અને કોર્ટને રદ કરવા વિનંતી કરી હતી. અરજીમાં કહ્યું હતું કે, જેમણે સાંસદ, મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી રહી દેશની સેવા કરી છે, એમનાથી જ હવે દેશને ભય છે. સરકારની આ રજૂઆત તદ્દન ખોટી છે. ધરપકડ માટે જે આધારો જણાવાયા છે એ ખોટા, બનાવટી અને પીએસએની જોગવાઈઓ સાથે સુસંગત નથી. સરકારની નીતિઓનો વિરોધ કરવાનો અધિકાર બંધારણીય છે જેના લીધે પીએસએ લાગુ કરી શકાય નહીં.