(એજન્સી) કોલકાતા, તા. ૨૮
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાતના એક દિવસ બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે કહ્યું હતું કે, આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપ સામે લડવા માટેકોંગ્રેસ સક્ષમ નહીં બને ત્યાં સુધી વિપક્ષની એકતા સફળ નહીં થાય. કોલકાતામાં કાર્યક્રમ બાદ પત્રકારોને અબ્દુલ્લાહે જણાવ્યું હતું કે, સામાન્ય ચૂંટણીઓમાં ભાજપનો સામનો કરવા પ્રાદેશિક પક્ષો એક થાય તે કેવું સારૂ રહેશે. અમારૂં માનવું છે કે, જ્યાં સુધી ભાજપ સામે લડવા માટે કોંગ્રેસ સક્ષમ નહીં થાય ત્યાં સુધી વિપક્ષની એકતા સફળ નહીં થાય. આ પહેલા મંત્રણા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણીઓ માટે સંભવિત વિપક્ષી મોરચા તરફથી વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર તરીકે કોઇનું પણ નામ પસંદ કરવું જોઇએ નહીં. તેમણે કહ્યું કે આવુ કરવાથી ભાજપ સામે લડવાની ક્ષેત્રીય પાર્ટીઓની એકજૂથતાને વિભાજિત કરી દેશે. તેમણે એ વાતે ભાર મુક્યો કે, ભાજપ વિરોધી ક્ષેત્રીય પાર્ટીઓએ એક સાથે આવવું જોઇએ અને તેમણે દેશના ફાયદા માટે બલિદાન આપવું જોઇએ. બીજી તરફ ઓમર અબ્દુલ્લાહે ઇમરાન ખાનના ભારત સાથે સંબંધ સુધારવા અંગેના નિવેદન સામે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ સાંભળવામાં સારૂ લાગે છે પણ ઘણું ખરૂ તેમના પગલાંઓ પર નિર્ભર કરશે. ઓમર અબ્દુલ્લાએ ઉમેર્યું કે, અમારી તરફથી વડાપ્રધાન કોણ હશે તે કહેવું ઉતાવળિયું ગણાશે. અત્યાર માટે અમારો પ્રયાસ એ છે કે, અમારે ભાજપ સામે લડવું જોઇએ. જો અમે આજે પીએમ પદના ઉમેદવારના નામની ચર્ચા શરૂ કરી દઇશું તો અમારા ઉદેશ્યોને નુકસાન થશે જેને અમે હાંસલ કરવા માગીએ છીએ. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા મમતા બેનરજીનો પ્રયાસ ત્રીજા મોરચાને ઊભો કરવાનો છે. તેમાં એવા પક્ષોને સામેલ કરવામાં આવશે જેઓ ભાજપ અને કોંગ્રેસ બંને સાથે નથી. ઘણા અન્ય પ્રાદેશિક પક્ષો પણ આમાં મમતા સાથે છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પહેલા જ આ વિચાર અંગે મમતા સાથે મુલાકાત કરી ચુક્યા છે. આ વિચાર સાથે મમતા બેનરજી દિલ્હીપણ આવ્યા હતા અને વિપક્ષના ઘણા નેતાઓ સાથે તેમણે ચર્ચા કરી હતી.