(એજન્સી) તા.૧૫
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંઘને શુક્રવારે અપીલ કરી હતી કે, અન્ય રાજ્યોમાં વસતા કાશ્મીરીઓની સુરક્ષા કરવા રાજ્ય સરકારોને નિર્દેશ આપવામાં આવે. ઓમરે કહ્યું હતું કે, આ તંગદિલી વચ્ચે બીજા રાજ્યોમાં વસતા કાશ્મીરી લોકોને સહેલાઈથી લક્ષ્યાંક બનાવી શકાય છે. તેમણે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, “ગૃહમંત્રી રાજનાથસિંઘને હું અપીલ કરૂં છું કે, મહેરબાની કરીને બધી રાજ્ય સરકારોને એવા વિસ્તારો, કોલેજો, સંસ્થાઓમાં સુરક્ષાનો વિશેષ બંદોબસ્ત ગોઠવવાનો નિર્દેશ આપે, જ્યાં કાશ્મીરીઓ વસવાટ કરી રહ્યા છે અથવા અભ્યાસ કરી રહ્યા છે.” તેમણે આતંકવાદ વિરૂદ્ધ એકજૂટ થઈ શાંતિ કાયમ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ગુરૂવારે જમ્મુમાં કાશ્મીરીઓ અથવા મુસ્લિમોએ નહીં પરંતુ આતંકવાદીએ આપણા સીઆરપીએફ જવાનો પર હુમલો કર્યો હતો. આ હિંસા કેટલાક લોકો દ્વારા કોઈ અન્યને દોષી ગણાવવાનું માધ્યમ છે.”