(એજન્સી) તા. ૧૯
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મંગળવારે ફુલગામમાં એક જાહેર સભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં હાલની પરિસ્થિતિ માટે પી.ડી.પી. જવાબદાર છે, જે ભાજપ અને આર.એસ.એસ.ને કાશ્મીરમાં લાવી. આ જ લોકો આજે અહીં તલવારો અને હથિયારો હાથમાં લઈ રેલી કાઢે છે. પી.ડી.પી. અધ્યક્ષ મહેબુબા મુફ્તીને લક્ષ્યાંક બનાવતા ઓમરે કહ્યું હતું કે, તેમની એ ભૂલોની સજા કાશ્મીરને મળી છે. મહેબુબાની પહેલી ભૂલ હતી તેમની પાર્ટીના બચાવવાના પ્રયત્નોમાં ભાજપ સાથે સરકાર બનાવવી અને બીજી ભૂલ હતી રાજીનામું આપતી વખતે વિધાનસભા ભંગ કરવાની ભલામણ ન કરવી. આમ, આજે કાશ્મીરના લોકો પોતાની સરકાર ન હોવાનું નુકસાન ભોગવી રહ્યા છે. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા ઓમરે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરની વિશેષ ઓળખાણને લક્ષ્યાંક બનાવવામાં આવી રહી છે. જેના લીધે નેશનલ કોન્ફરન્સને નબળી પાડવા માટે ષડયંત્રો રચવામાં આવે છે. ઓમરે શંકા વ્યક્ત કરી હતી કે પી.ડી.પી.એ મેચ ફિક્સિંગ કરી છે. જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ પાછળ કદાચ ભાજપ-પી.ડી.પી. વચ્ચે સાંઠગાંઠ છે. તેમણે કહ્યું હતું કે, જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ એક ચૂંટણીલક્ષી નાટક છે, જેનો ભાજપ દેશમાં તેનો ફાયદો મેળવશે જ્યારે પી.ડી.પી. કાશ્મીરમાં તેનો ફાયદો મેળવશે.