(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાહે જમ્મુ અને કાશ્મીર માટે અલગ વડાપ્રધાન અને બંધારણની માગણી કરી હતી. જ્યારે તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા ક્રિકેટર ગૌતમ ગંભીરના ઓમર સામેના પ્રહાર અંગે ઓમરે તરતજ વળતો પ્રહાર કર્યો છે. વળતા પ્રહારની સાથે ઓમર અબ્દુલ્લાહે ગૌતમ ગંભીને માત્ર આઇપીએલ વિશે ટિ્‌વટ કરવાની સલાહ આપી છે. ઓમર અબ્દુલ્લાહે ગૌતમ ગંભીરના ટિ્‌વટની રિટિ્‌વટ કરતા લખ્યું ‘ ગૌતમ, મેં ક્યારેય વધુ ક્રિકેટ રમ્યું નથી, કારણ કે હું જાણતો હતો કે હું ક્રિકેટ રમવામાં વધુ સારો નથી. તમે ન તો જમ્મુ-કાશ્મીર વિશે વધુ જાણો છો અને ન તો તેના ઇતિહાસ વિશે જાણો છો. તમે એના ઇતિહાસને આકાર આપવામાં જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સની ભૂમિકા વિશે પણ વધુ જાણતા નથી. તેમ છતાં તમે પોતાની અજ્ઞાનતા બધાને દેખાડવા માગો છો.’ તે ઉપરાંત ઓમર અબ્દુલ્લાહે ગૌતમ ગંભીરને કહ્યું કે તમે જેના વિશે વધુ જાણો છો, તેના વિશે પોતાની વાત રજૂ કરો અને આઇપીએલ વિશે ટિ્‌વટ કરો. અગાઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ચૂંટણી સભા દરમિયાન ઓમર અબ્દુલ્લાહના જમ્મુ-કાશ્મીર માટે અલગ વડાપ્રધાનવાળા નિવેદન અંગે પ્રહાર કર્યો હતો. સાથે જ આ નિવેદન અંગે કોંગ્રેસ પાસે જવાબ પણ માગ્યો હતો.