(એજન્સી) શ્રીનગર, તા.૩૦
બડગામમાં નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ સંબોધન કરતા જણાવ્યું કે કાશ્મીરના લોકોએ વિનાશ, ભ્રમ અને અલગતાનો જ અનુભવ કર્યો છે. જ્યારથી વડાપ્રધાન મોદી સાથે મુફતી મોહમ્મદે હાથ મિલાવ્યા હતા. અને લોકોની ઈચ્છા વિરૂદ્ધ જઈ ભાજપ સાથે મળી સરકાર રચી હતી.
ઓમરે કહ્યું કે પીડીપીએ ર૦૧૪માં લોકોને છેતર્યા, વચનોનો ભંગ કર્યો અને ખીણમાં અજંપા ભરી પરિસ્થિતિનું નિર્માણ કર્યું કાશ્મીરના લોકો ખાસ કરી યુવાઓને અન્યાય અને અત્યાચારોનો સામનો કરવો પડ્યો છે જે સમયગાળો આ સાડાત્રણ વર્ષમાં પસાર થયો છે એ કાશ્મીરના ઈતિહાસમાં ક્યારેય થયો ન હતો. પરિસ્થિતિ અતિખરાબ થઈ છે. યુવાઓ ત્રાસવાદ તરફ જઈ રહ્યા છે. પીડીપીએ ર૦૧૪માં ચૂંટણી પ્રચારમાં ઘણા બધા વચનો આપ્યા હતા જેમાંથી એકપણ વચન પૂર્ણ કર્યું નહી. એમણે કહ્યું હતું કે કાશ્મીરના લોકોના હિતો જાળવવામાં આવશે. ભાજપને સત્તાથી દૂર રાખવામાં આવશે. પણ બધા વચનો છેતરામણાં સાબિત થયા. પરિણામો પછી પીડીપીએ ભાજપ સાથે ગઠબંધન કર્યું. અમે અને કોંગ્રેસ પીડીપીને બિનશરતી ટેકો આપવા તૈયાર હતા જેથી કાશ્મીરનું હિત સચવાય પણ પીડીપીએ અમારી વાત માની નહી.
એ પછી પણ પીડીપીએ લોકોને એજન્ડા ઓફ એલાયન્સના નામે છેતર્યા. જેમાં એમણે રાજકીય, આર્થિક અને સુશાસન બાબત વચનો આપ્યા હતા પણ ભાજપે એનો સ્વીકાર કર્યો નહી. એમાનું એક પણ વચન પૂર્ણ થયું નહી. કેન્દ્રિય સરકારે આ એજન્ડાને માનવાનો ઈન્કાર કર્યો. પાકિસ્તાન સાથે કોઈ વાતચીતની શરૂઆત થઈ નહી. હુર્રિયત સાથે કોઈ વાતચીત થઈ નહી. પાવર પ્રોજેક્ટની પુનઃ સ્થાપનાની યોજના પણ પડતી મૂકાઈ એએફએસપીએને રદ કરવાનું વચન અપાયું હતું પણ એ પૂર્ણ થયું નહીં જેનાથી હતાશ થઈ કાશ્મીરના યુવાઓ હથિયારો ઉપાડવા મજબૂર બન્યા છે.