(એજન્સી) તા.૩
ઉત્તરપ્રદેશ સરકાર વિરૂદ્ધ તેના જ કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરની નારાજગી સતત વધી રહી છે. તેમણે ફરી એકવાર રાજ્ય સરકારની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. રાજભરે શુક્રવારે વારાણસીના સર્કિટ હાઉસમાં મીડિયા સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે ઉત્તરપ્રદેશ સરકારે બંગાળની બાબતમાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને મોકલેલી નોટિસ અયોગ્ય છે. તેમણે અખિલેશ યાદવનો બચાવ કરતાં કહ્યું હતું કે, સરકારની કાર્યવાહી રાજકીય દ્વેષથી પ્રેરિત છે. જો બંગલામાં કોઈપણ પ્રકારનું નુકસાન થયું હોય તો સંપત્તિ વિભાગે પહેલાં જ નિરીક્ષણ કરી જણાવવું જોઈતું હતું. બંગલો ખાલી કર્યાના એક મહિના પછી નોટિસ મોકલવી અતાર્કીક છે. મુગલસરાય સ્ટેશનનું નામ બદલીને પંડિત દિનદયાલ ઉપાધ્યાયના નામ પરથી રાખવા વિશે રાજભરે કહ્યું હતું કે, દરેક સરકાર તેના કાર્યકાળમાં આવું કરતી રહે છે પરંતુ ફકત નામ બદલવાથી તેનો ઈતિહાસ નથી બદલાતો.