જમીઅત-એ-ઉલેમા-એ-હિંદ દ્વારા

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.ર૬

હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી ગરીબનવાઝ (રહેમતુલ્લાહ અલયહ)ના ૮૦પમાં ઉર્સની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે દેશભરમાંથી ઉર્સમાં હાજરી આપવા આવનારા અકીદતમંદોને જો કોઈ આરોગ્યને લગતી ઈમરજન્સી ઉભી થાય તો તેમને હોસ્પિટલ પહોંચાડવા જમીઅતે ઉલ્માએ હિંદ (મહમૂદ મદની ગ્રુપ) દ્વારા  પ્રથમવાર ૮ એમ્બ્યુલન્સની  સેવા શરૂ કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ ઉર્સની શરૂઆતથી પૂર્ણ  થાય ત્યાં સુધી અજમેરમાં જ રખાશે. જો જરૂરિયાત ઉભી થશે તો વધુ એમ્બ્યુલન્સ પણ પૂરી પાડવા અગ્રણીઓએ તૈયારી દર્શાવી હતી. આ અંગેની માહિતી આપતા જમીઅતે ઉલ્માએ હિંદના  સેક્રેટરી મૌલાના હકીમુદ્દીન કાસમી તથા ગુજરાત એકમના અગ્રણી પ્રો. નિસાર અહેમદ અન્સારીએ જણાવ્યું હતું કે,  જમીઅત દ્વારા ઉર્સ પ્રસંગે ૮ એમ્બ્યુલન્સની સેવા પ્રથમવાર કરવામાં આવી છે જે હવેથી દર વર્ષે ઉર્સ પ્રસંગે આપવામાં આવશે. એમ્બ્યુલન્સ સાથે ડોકટરો અને કમ્પાઉન્ડરોની ટીમ હાજર  રહેશે. એમ્બ્યુલન્સમાં ઓકિસજન ઉપરાંત  દવા સહિતની પ્રાથમિક સારવારની તમામ કીટ ઉપલબ્ધ છે. ઉપરાંત ૧૦થી ૧ર સ્વયંસેવકો પણ હાજર રહેશે. આપી દર્દીને રસ્તામાં અગવડ ન પડે. જરૂરિયાતવાળા દર્દીને તે ચાહે તે હોસ્પિટલમાં ખસેડવામાં આવશે.અજમેર શરીફ કે રાજસ્થાનની બહારનો દર્દી હશે તો પણ તેને ત્યાં લઈ જવાશે. આ ઉર્સ પ્રસંગે નશાબંધી વિરોધી ચળવળ પણ શર કરી યુવાનોને નશામુકત કરવા જાગૃતિ ઉભી કરાશે. તેમ મૌલાના હકીમુદ્દીન કાસમીએ જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિતિ અજમેર દરગાહ  શરીફના સૈયદ અંજુમન ખુદ્દામ સૈયદ ઝાદગાનના સચિવ સૈયદ વાહિદ હુસેન ચિશ્તી અંગારાએ જમીયતે ઉલ્માએ હિંદના આ  પ્રયાસોને બિરદાવી ખુશી વ્યકત કરી હતી. તેમજ જમીઅતને તેમની મદદની જયાં પણ જરૂર હશે ત્યાં આવવા તૈયારી દર્શાવી હતી.