ડીસા,તા.૨૪

કાંકરેજ તાલુકાના ચેખલા ગામે એક જ દિવસમાં વીજ કરંટથી બે ઘટનામાં એક ખેડૂત યુવાનનું મોત જ્યારે બે વ્યક્તિને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જો કે, ઈજાગ્રસ્ત ઠાકોર અનારજી મોબતાજી અને વનરાજ વદનજીને આંખો સહિત અન્ય ભાગે વીજ કરંટ લાગતા શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં બન્ને વ્યક્તિઓને ગંભીર રીતે વીજ કરંટ લાગેલ હોવાથી પાટણ અને મહેસાણાની હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા જો કે, બીજા બનાવમાં ઠાકોર કેલાજી બદાજીનો પુત્ર નામે ભાવાજી ઠાકોર ઉ.વ.૨૨ને પોતાના ખેતરમાં વીજ કરંટ લાગતા ઘટના સ્થળે મોત નિપજતા સમગ્ર ચેખલા ગામમાં શોક છવાઈ ગયો હતો.

ચેખલા સ્મશાનમાંથી ૬૬ કેવી ખીમાણા હમીરપુરા ફિડરની વીજલાઈન પાણીના અવાડા પરથી પસાર થાય છે જે અવાડાથી ૧૦ ફૂટ ઊંચાઈએ આવેલ છે જે બાબતે ગામલોકોએ શિહોરી યુજીવીસીએલના નાયબ ઈજનેરને લેખિત જાણ પણ કરેલ હોવા છતાં વીજ લાઈન ન ઉતારતા આજે ગંભીર રીતે મોતનો સામનો સ્મશાનમાં ગયેલા ડાઘુઓને કરવો પડ્યો છે. આ બાબતે તંત્ર ગંભીરતા દાખવી વીજ વાયરો દૂર કરે તે જરૂરી છે અને બેદરકાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી છે.