હવાઈ ટિકિટ-પેટ્રોલપંપ પર પ૦૦ની નોટ સ્વીકારવાનો આજે અંતિમ દિવસ

(એજન્સી)  નવી દિલ્હી, તા.૧

આજ પછી રૂા.૫૦૦ની જૂની નોટના નિકાલ લાવવાના વિવિધ વિકલ્પ થઈ જશે ટૂંકા. આજ પછી એર ટિકિટ બુક કરવા તથા પેટ્રોલ પંપ પર આ નોટનો સ્વીકાર નહીં કરાય.

અગાઉ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ આવશ્યક સેવાઓ માટે આ નોટોના ઉપયોગ માટે ૧૫ ડિસેમ્બર સુધીની સમયસીમા નિર્ધારિત કરી હતી. જો કે રૂા.૧૦૦૦ની નોટોનો ઉપયોગની અવધિનો અગાઉ અંત આવી ગયો છે.

પેટ્રોલ પંપ અને એર ટિકિટ બુકીંગ સિવાય અન્ય આવશ્યક સેવાઓ માટે અગાઉની જેમ ૧૫ ડિસેમ્બર સુધી રૂા.૫૦૦ની જૂની નોટોનો ઉપયોગ કરી શકાશે. જ્યારે શુક્રવારથી ફ્રિ ટોલ ટેક્સ સુવિધાનો અંત આવી ગયો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર લોકો પેટ્રોલ પંપ અને એરલાઈન્સ ટિકિટ બુકીંગ માટે મોટા પાયે રૂા.૫૦૦ની નોટોનો ઉપયોગ કરતાં હતાં. આથી આ સુવિધાનો ૧૫ ડિસેમ્બર અગાઉ જ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.

જો કે સરકારી હોસ્પિટલો, દવાની દુકાનો અને ડોકટરના પ્રિસ્ક્રિપ્શન સાથે દવાની દુકાનેથી ૧૫ ડિસેમ્બર સુધી જૂની રૂા.૫૦૦ની નોટોનો વપરાશ ચાલુ રહેશે. આ ઉપરાંત રેલવે ટિકિટ કાઉન્ટરો, રાજ્યોની બસની ટિકિટો અને કન્ઝયુમર કો-ઓપરેટિવ સ્ટોર્સ ખાતે પણ આ નોટોનો ઉપયોગ કરી શકાશે. કો-ઓપરેટિવ સ્ટોરમાં ફક્ત રૂા.૫૦૦૦ સુધી જ રૂા.૫૦૦ની નોટો આપી ખરીદી કરી શકાશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના મિલ્ક બુથ, સ્માશાન ગૃહ, ટ્રેન મુસાફરી વખતે કેન્ટરીંગ સેવાઓ તેમજ કુકિંગ ગેસ સિલિન્ડરની ખરીદી માટે પણ જૂની નોટોનો ઉપયોગ કરી શકાશે.