(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૪
સીએ અભ્યાસક્રમમાં સીએની ફાઇનલ ડીગ્રી પહેલા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સીએ કંપનીઓ કે ફર્મમાં કરવામાં આવતી આર્ટિક્લશિપમાં ઘણા વિદ્યાર્થીઓ બોગસ આર્ટિકલશિપ કરતા હોવાની અને કેટલીક કંપનીઓ બોગસ આર્ટિકલશિપ આપી દેતી હોવાની ફરિયાદોને પગલે હવે આર્ટિકલશિપ માટે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
સીએ અભ્યાસક્રમ માટેની કેન્દ્ર સરકારની દિલ્હી સ્થિત ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાએ બોગસ આર્ટિકલશિપની મળેલી ફરિયાદોને પગલે હવે સીએમાં આર્ટિકલશિપ માટે ઓનલાઇન એક્ઝામ સીસ્ટમ દાખલ કરી છે. સમગ્ર દેશમાં ૧ લી જુલાઇનો દિવસ સીએ ડે તરીકે ઉજવાય છે. ત્યારે આઇસીએઆઇ અમદાવાદ ચેપ્ટર દ્વારા આજે થયેલી ઉજવણી પ્રસંગે ચેપ્ટરના ચેરમેને જણાવ્યું હતું કે બોગસ આર્ટિકલશિપને રોકવા આ સીસ્ટમનો અમલ શરુ કરી દેવાયો છે. જેમાં ત્રણ વર્ષની આર્ટિકલશિપમાં એક વર્ષની આર્ટિકલશિપ બાદ અને બીજા વર્ષની આર્ટિકલશિપ બાદ પણ એમ બે વાર ઓનલાઇન પરીક્ષા લેવાશે. આ પરીક્ષાઓ બાદ તેના ગ્રેડ સીએની ફાઇનલ ડિગ્રીમાં ઉમેરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને અપાતી આર્ટિકલશિપ સાચી રીતે થાય અને વિદ્યાર્થીઓ પણ સાચી રીતે આર્ટિકલશિપ કરે. આઇસીએઆઇ દ્વારા સી.એ.ની ડિગ્રીમાં હવે ઓનલાઇન એક્ઝામના માર્કસ પણ ઉમેરાશે. આ ઉપરાંત આ વર્ષથી એકઝામ પેર્ટનમાં પણ ફેરફાર કરાયો છે. સીએના તમામ સ્ટેજમાં થીયરીકલ સબજેક્ટમાં ૩૦ ટકા એમસીક્યુ પ્રશ્નો ઉમેરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.