(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૭
રાજયના શહેરી વિસ્તારોમાં બિન ખેતીની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવતા અને તે સફળ રહ્યા હોવાના દાવા બાદ રાજય સરકાર દ્વારા હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ બિનખેતીની પરવાનગીઓ ઓનલાઈન આપવાનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે રાજયના શહેરોની જેમ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજથી બિનખેતીની ઓનલાઈન મંજૂરી પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. મંત્રી કૌશિક પટેલે આ મુદ્દે જણાવ્યું હતું કે રાજય સરકાર સમક્ષ બિનખેતી પરવાનગીઓમાં મંજૂરીઓ સંદર્ભે અવરોધો દૂર થાય, પ્રક્રિયા સરળ બને તે માટે ગ્રામ્ય વિસ્તારના નાગરિકો દ્વારા રજૂઆતો મળી હતી. જેને ધ્યાને લઈ રાજય સરકારે ગ્રામ્ય કક્ષાએ પણ આ પ્રક્રિયા અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે. ગ્રામ્ય કક્ષાએ પણ પ્રક્રિયા ઓનલાઈન થતા અને સરળ બનતા નાગરિકોને સમયની બચત થશે અને કામગીરીમાં ઝડપ આવશે. ગ્રામ્ય વિસ્તારો માટે બિનખેતીની પરવાનગી તાલુકા જિલ્લા પંચાયત કક્ષાએ કરવામાં આવતી હતી તે હવે સંબંધિત જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવશે. જો કે મહેસુલ વિભાગનો આ નિર્ણય તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના વધુ એક હક પર તરાપ મારી કાંડા કાપવાના પ્રયાસ સમાન મનાય છે. અત્યાર સુધી ગ્રામ્ય સ્તરે બિનખેતીની તમામ કાર્યવાહી તાલુકા અને જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવતી હતી. પરંતુ હવે આ જવાબદારી કલેકટરને સોંપાતા આગામી દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતમાં વિરોધના સૂર ઉઠે તેવી શકયતા જણાય છે.