વોશિગ્ટન તા. ૨

પાકિસ્તાનને આતંકવાદ પ્રાયોજિત દેશ જાહેર કરવા માટે અમેરિકામાં ઓનલાઈન અરજીની એક ચળવળ ચાલી રહી છે. પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરવાની ઓનલાઈન અરજીને રેકોર્ડબ્રેક સમર્થન મળતાં લગભગ પાંચ લાખ લોકોએ સહી કરી છે . આ આંકડો ઓબામા સરકારનું ધ્યાન ખેંચવા માટે જરૂરી સંખ્યા કરતો પાંચ ગણો મોટો છે. જેને કારણે ઓબામા સરકારને ફેરવિચારણા કરવી પડે તેની નોબત આવી છે. પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરવાની માંગ સમગ્ર વિશ્વમાં જોર પકડતી જાય છે હજુ હમણાં જ બે અમેરિકી સાંસદોએ પણ પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરવા માટે એક બીલ રજૂ કર્યું હતું. આરજી તરીકે ઓળખાયેલા એક વ્યક્તિએ ૨૧ સપ્ટેબરના રોજ ઓનલાઈન અરજી શરૂ કરી હતી અને વ્હાઈટ હાઉસના જવાબ માટે ૩૦ દિવસની અંદર ૧ લાખ લોકોની સહિની જરૂર હતી પરંતુ હવે પાંચ લાખ જેટલા લોકોએ સહિ કરતાં અમેરિકી સરકારને પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરવાની ફરજ પડી શકે છે. એક અઠવાડિયા કરતાં પણ ઓછામાં સમયમાં આ આંકડો પાર થઈ ગયો હતો અને બે અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં આંકડો પાંચ લાખની સપાટી વટાવી ગયો હતો. હવે આ અરજી વ્હાઈટ હાઉસની વેબસાઈટ પર ઘણી લોકપ્રિય બની રહી છે. અરજીમાં જણાવ્યાનુસાર ઓબામા સરકારે બે મહિનાની અંદર આ અરજીનો જવાબ આપવો પડશે. અમે લોકો અમેરિકી સરકાર સમક્ષ માંગણી કરીએ છીએ કે પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરવામાં આવે તે નામ હેઠળની અરજીમાં દસ લાખ કરતાં પણ વધારે સહીઓ લેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.