અમદાવાદ, તા.૧
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત વી.એસ.હોસ્પિટલના વિવાદમાં વધુ એક વિવાદ ઉમેરાયો છે. હોસ્પિટલમાં પેટના દુઃખાવાની સારવાર માટે દાખલ થયેલા બહેરામપુરાના શખ્સને હાથમાં ઈન્જેકશન આપવામાં આવતા હાથનું ઓપરેશન કરાવવાની ફરજ પડી હતી તેમ છતાં આ શખ્સનો હાથ હલનચલન થઈ શકતો ન હોવાથી આ શખ્સ લાચાર થઈ ગયો છે. આ અંગે જવાબદારો સામે પગલાં ભરવા માગણી કરવામાં આવી છે. બહેરામપુરા વિસ્તારમાં સિકંદરબખ્તનગર શહેરી આવાસ યોજનાના મકાનમાં રહેતા યાસીન ગુલાબખાન પઠાણ નામના ૪૦ વર્ષના શખ્સને ગત તા.૧૭-૭-૧૮ના રોજ પેટમાં સખ્ત દુઃખાવો ઉપડતા ૧૦૮માં બેસાડી તેમને સારવાર માટે વી.એસ.હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં પહોંચ્યા બાદ દુઃખાવો બંધ કરવા તેમને હાથમાં ઈન્જેકશન આપવામાં આવ્યું હતું. યાસીન પઠાણના જણાવ્યા મુજબ તેમને હાથમાં વધારે તકલીફ ઊભી થતાં તેઓએ ડૉક્ટરને ફરિયાદ કરતાં ડૉક્ટરે તપાસ કરી નિદાન કર્યા બાદ ઓપરેશન કરવાની સલાહ આપી હતી અને ખર્ચ પેટે રૂપિયા ૩ હજાર થશે તેમ જણાવ્યું હતું કે, પરંતુ તેમણે પૈસા ભરવાની ના પાડતા સવારે રજા આપી દેવામાં આવી હતી. આ દરમિયાન તેમને વધારે દુઃખાવો ઉપડતા ૧૯-૭-૧૮ના રોજ હોસ્પિટલમાં દાખલ થયા હતા જ્યાં હાથનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા બદરૂદ્દીન શેખે જણાવ્યું છે કે, આ એક વિચિત્ર અને વી.એસ.હોસ્પિટલની બેદરકારીનો કિસ્સો છે કે પેટના દુઃખાવાની સારવાર માટે ગયેલા યાસીનખાનને હાથનું ઓપરેશન કરાવવાની ફરજ પડી છે. પરચુરણ મજૂરી કરતાં યાસીનખાન પઠાણ પોતાના કુટુંબને આધારસ્તંભ છે. પરંતુ તેમનો જ આધાર સમાન જમણો હાથ નિરાધાર થઈ ગયો છે. એટલે કે હાથનું હલનચલન પણ થઈ શકતું નથી. આમ હોસ્પિટલની બેદરકારીને લીધો ગરીબ પરિવારના શખ્સને લાચારીનો સામનો કરવો પડયો છે. હોસ્પિટલના સત્તાધિશો કોઈ જ જવાબ આપતા નથી. આથી જવાબદારો સામે પગલાં ભરવા તેમણે માંગ કરી છે.