(એજન્સી) તા.૨૧
ચીને અરુણાચલ પ્રદેશની સરહદ પર તિબેટીયન કાઉન્ટીમાં મોટા પાયે માઇનિંગ ઓપરેશન શરુ કરી દીધું છે. સરહદી વિસ્તારોમાં પોતાનો અંકુશ વધારવાના પ્રયાસના ભાગરુપે આ ઓપરેશન કરવામાં આવ્યું છે એવું રવિવારે એક અહેવાલમાં જણાવાયુ હતું. બેઇજિંગને આ વિસ્તારમાં સોના, ચાંદી એ બીજી કિંમતી ખનિજોનો વિશાળ ખજાનો હાથ લાગ્યો છે કે જેની કિંમત ૬૦ અબજ ડોલર આંકવામાં આવી રહી છે. આ ખનન કાર્યવાહી સરહદની ચીનની બાજુએ થતું હોવાથી ભારત દ્વારા તેનો વિરોધ થવાની કોઇ શક્યતા જણાતી નથી. ચીન અરુણાચલ પ્રદેશમાં ૯૦૦૦૦ ચો.કિ.મી. પર પોતાનો દાવો કરી રહ્યું છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટને વ્યૂહાત્મક વિદ્વાનોએ જણાવ્યું હતું કે દ.ચીનની જેમ ચીનના સલામી અભિગમનો અમલ કરવાની દુુરોગામી યોજના છે કે જ્યાં વિવાદી ટાપુઓ પરનો અંકુશ વધારવામાં આવ્યો છે.
હાલ ચીનની ગતિવિધિઓ પરથી સ્પષ્ટ છે કે તે સરહદ પર પોતાની પક્કડ મજબૂત કરવા માગે છે જે વાત ભારત માટે ચિંતાજનક હોઇ શકે છે. વાસ્તવમાં ચીનની નજર અરુણાચલ પ્રદેશ સહિત ભારતના સરહદી વિસ્તારો પર છે. ભારત અને ચીન વચ્ચે નિર્ધારીત સરહદ નથી જેના કારણે અવારનવાર વિવાદો ઊભા થાય છે. ચીને અરુણાચલ પ્રદેશના ૯૦૦૦૦ ચો.કિ.મી.માં ંપોતાનો દાવો ઊભો કર્યો છે તે અરુણાચલ પ્રદેશને સાઉથ તિબેટ કહે છે. સઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના નિષ્ણાતોને ટાંકીને જણાવાયું છે કે ચીન વિવાદી દ.ચીન સાગરની પેટર્ન પર અરુણાચલ સરહદે પણ વ્યાપક માઇનિંગ ઓપરેશન કરુ કરી દીધું છે જેનો હેતુ સરહદી વિસ્તારોમાં પોતાની દાવેદારી મજબૂત કરવાનો છે. દ.ચીન સાગરમાં ચીન ઉપરાંત કેટલાય દેશો દાવો કરે છે અમેરિકા અને ભારત પણ દ.ચીન સાગરમાં ચીનના અંકુશનો વિરોધ કરી રહ્યા છે. ચીનની ગતિવિધિઓ પર નજર રાખતા લોકોનું કહેવું છે કે માઇનિંગ ઓપરેશન ચીનની અરુણાચલ પ્રદેશ પર નિયંત્રણ કરવાની સાઝીશનો ભાગ છે.