પાટણના વડાવલી ગામની કોમી એકતામાં બહારના કટ્ટરવાદીઓએ પલિતો ચાંપ્યો

મહિલા સરપંચના પતિને ખાનગી ફાયરિંગમાં ઈજા,૧પથી વધુ શખ્સોને ગંભીર ઈજા જે પૈકી પાંચની હાલત ગંભીર, ગામના બહુમતી પુરૂષો કચ્છ ખાતે હાજીપીરના મેળામાં પગપાળા મેદની લઈને ગયા હતા જેથી કટ્ટરવાદીઓએ તેમના બંધ ઘરોને સળગાવી દીધાં, મુસ્લિમ મહિલાને સમરસ ગ્રા.પં.માં  સરપંચપદે પસંદ કરાતાં કટ્ટરવાદીઓના પેટમાં તેલ રેડાયું, બનાવ બાદ ગામમાં હિન્દુ-મુસ્લિમ એકતા યથાવત, હિંંસાનું નગ્ન તાંડવ રચનાર શખ્સોને જેર કરવાની માગણી, ૯૦ જેટલાં મકાનો સળગાવી દેવાયાં હતાં

 

(સંવાદદાતા દ્વારા)          પાટણ,તા.ર૬

પાટણ જિલ્લાના વડાવલી ગામની વર્ષો જૂની કોમી એકતામાં ફાચર મારવા સામાન્ય બાબતને બહારના તત્ત્વોએ કોમી તોફાનનું સ્વરૂપ આપી દીધુ હતું. વડાવલીમાં સમસ્ત હિન્દુ-મુસ્લિમ ગ્રામજનો તથા આગેવાનો સમરસ પંચાયત બનાવી સરપંચ પદે મુસ્લિમ મહિલા રશીદાબાનુ સુલતાનભાઈ કુરેશીના નામની જાહેરાત કરી સભ્યોના નામ નક્કી કરવા મંદિરે એકઠા થયા હતા. ત્યારે જ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે સુણસર, રામપુરા, ધારપુરી સહિત આજુબાજુના ૧૦થી વધુ ગામોના ઠાકોર સમાજના હજારો લોકોએ વડાવલીના પરા એવા વાઘપુરાના મુસ્લિમોના ઘરોને નિશાન બનાવી હિંસાનું નગ્ન તાંડવ રચી ગોધરાકાંડ બાદ ર૦૦રમાં  ફાટી નીકળેલી હિંસા દરમ્યાન  નરોડા પાટિયા અને સરદારપુરા  હત્યાકાંડના ઈતિહાસને પુનઃ દોહરાવવાની  કોશીશ કરી હતી. પરંતુ સદનસીબે પરાવિસ્તારનાં મોટા ભાગના મુસ્લિમો કચ્છમાં હાજીપીરના ઉર્સમાં ભાગ લેવા પગપાળા મેદની લઈને ગયા હોવાથી મોટો હત્યાકાંડ સર્જાતા અટકયો હતો. રોડ ઉપર અને ખેતરોમાં થઈ મારો-કાપોની બૂમો અને ચીચીયારીઓ સાથે હાથમાં રિવોલ્વરો, ખુલ્લી તલવારો, ભાલા અને ઘારિયા સાથે ધસી આવતા ટોળાઓને જોઈ જે લોકો હાજર હતા તે જીવ બચાવવા પહેરેલા કપડે વડાવલી ગામમાં દોડી આવ્યા હતા. જયારે કેટલાક પોતાની કિંમતી ચીજ-વસ્તુ, દાગીના અને રોકડ રકમ લેવા રોકાયા હતા તેઓની ઉપર ખાનગી ગોળીબાર અને તલવારો, ધારિયા વડે હુમલો કરતા બેલીમ ઈબ્રાહીમભાઈ લાલખાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે ૧પથી વધુ શખ્સોને ગંભીર ઈજાઓ થઈ હતી. મહિલા સરપંચના પતિ સુલતાનભાઈ ભીખુભાઈ કુરેશી ઉપર ટોળામાંથી કોઈએ ખાનગી ફાયરિંગ કરતા  પેટના ભાગે છરા ઘૂસી ગયા હતા. જેઓને ગંભીર હાલતમાં પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને ઓપરેશન કરી પાંચ છરા  કાઢવામાં આવ્યા હતા. જયારે અન્ય પાંચ મુસ્લિમ યુવાનોની હાલત નાજૂક જણાતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.

શનિવારે સાંજે બનેલ આ ઘટના બાદ આજે વડાવલી ગામમાં હિન્દુ-મુસ્લિમોની એકતા  એવી જ અકબંધ જોવા મળતી હતી. અને દરેકના મુખ પર પાડોશી ગામોના ઠાકોર સમાજના લોકોએ હિંસા, આગજની, લૂંટફાટ, જે નગ્ન તાંડવ કર્યું તેનો વિષાદ અને રાજકીય હાથા બની ઉશ્કેરાટ ફેલાવતા તત્વોને જેર કરવામાં આવે તેવી લાગણી જોવા મળતી હતી. વડાવલીના પરાવિસ્તારમાં રહેતા મુસ્લિમોના ૯૦ જેટલા મકાનોમાં જવલનશીલ પદાર્થો છાંટી આગચંપી કરવામાં આવતા મોટા ભાગના મકાનો બળીને ભસ્મીભૂત બન્યા હતા અને હાડપિંજરમાં ફેરવાયા છે. ટોળાઓએ પ્રથમ લૂંટફાટ કર્યા બાદ સમગ્ર પરાવિસ્તારને આગને હવાલે કર્યો હતો. તમામ પરિવારોની  બચત કરેલી મૂડી, તિજોરીઓમાં મુકેલા સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ  તથા ટીવી,ફ્રિજ જેવી ઈલેકટ્રીક ચીજ-વસ્તુઓ પણ તોફાની તત્વો ઉપાડી ગયા હતા. જયારે રહેવાના આશિયાના સમાન ઘર અને પહેરવાના કપડા આગમાં બળીને રાખ થતા હાલ આ પરિવારો ઉપર આભ અને નીચે જમીનના સહારે નિઃસહાય અને બેબશ જિંદગી ગુજારવા મજબૂર બન્યા છે. આ ઉપરાંત ખેતરોમાં લહેરાતો પાક, ઘાસના પુળા, તેમજ નાના મોટા રપથી વધુ વાહનો પણ સળગાવી નાખતા વડાવલીના આ મુસ્લિમ પરિવારોને અંદાજે રૂા.૮થી ૧૦ કરોડનું નુકસાન થયાનું ગામના સરપંચ મનીષભાઈ પટેલ અને મુસ્લિમ અગ્રણી અહેમદભાઈ મલેકે જણાવ્યું હતું.

દરમ્યાન ટોળા દ્વારા  કરાયેલ હુમલામાં તલવાર અને ધારિયાના ઘા વાગતા મોતને ભેટેલા ઈબ્રાહીમભાઈ લાલખાન બેલીમના મૃતદેહને આજે સવારે ચાણસ્મા સરકારી હોસ્પિટલમાંથી વડાવલી ગામે લાવવામાં આવ્યો હતો. તે સમયે ગામ લોકોએ તોફાની તત્ત્વોની ધરપકડ કરી પછી જ દફનવિધિ કરવાનો નિર્ણય કરતા પોલીસ અને વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો હતો પરંતુ પાટણ, મહેસાણા, ગણવાડા અને ચંદ્રોડાના મુસ્લિમ આગેવાનોએ મધ્યસ્થિની ભુમિકા ભજવતા અને ગાંધીનગર રેન્જ આઈ.જી. રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે તોફાની તત્ત્વોની ધરપકડ કરવાની ખાતરી આપતા ત્રણ વાગે જનાજો ઉપાડી દફનવિધિ કરવામાં આવી હતી. દફનવિધિ સમયે સમસ્ત વડાવલી ગામના તમામ હિન્દુ-મુસ્લિમો અશ્રુભીની આંખે જોડાયા હતા.