અમદાવાદ, તા.૧૪
શહેરના મકતમપુરા વોર્ડમાં વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધીના વિસ્તારમાં સૌથી વધુ ટ્રાફિક રહે છે આ વિસ્તારથી ઓછો ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં ઓવરબ્રીજ બની પણ ગયા પરંતુ મકતમપુરા વોર્ડ મુસ્લિમ બહુમતી ધરાવતો હોવાથી વર્ષોની માગણી પણ સંતોષાતી નથી. અહીં છેલ્લા ચાર વર્ષમાં ર૩થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે વિશાલા સર્કલથી સાણંદ ચોકડી સુધી વહેલી તકે ઓવરબ્રીજ બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માગણી છે.
મકતમપુરા વોર્ડના કાઉન્સિલર હાજીભાઈ મિર્ઝાનું જણાવવું છે કે મ્યુનિ. શાસકો વિકાસના નામે વિશાલાથી સરખેજ સુધીના હયાત ૧પ૦ ફૂટના વિશાળ રોડને ર૦૦ ફૂટનો કરવા માંગે છે પરંતુ જે ૧પ૦ ફૂટનો હયાત રોડ છે તે તરફ પૂરતું ધ્યાન અપાતું નથી આ રસ્તો ર૦૦ ફૂટ કર્યા વિના ઓવરબ્રીજ બનાવી શકાય તેમ છે. ઉપરાંત અહીંથી ટ્રાફિકનું ભારણ ઘટાડવા ધોળકા નરીમાનપુરા રસ્તા પર આવેલ બાજરાવાડીથી સીધો રસ્તો ફતેહવાડી થઈ વિશાલા સુધી કાઢવામાં આવે તો મોટાભાગનો ટ્રાફિક બારોબાર જતો રહે તો ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે.
આ ઉપરાંત આ વોર્ડમાં કેટલાક વિસ્તારો એવા છે જેઓ ટેકસ ભરતા હોવા છતાં પીવાના પાણીથી વંચિત છે. આથી જ્યાં મ્યુનિ. પાણી પૂરું પાડી શકી નથી તેવા લોકોને વોટરટેક્ષ રિફંડ આપવા માગણી ઉઠી છે. ગ્યાસપુર વિસ્તારમાં દરેક ઘરને પીવાનું પાણી મળી રહે તેવી પોલીસી બનાવવી જોઈએ લોકોને ના છૂટકે ટેન્કરોની પાણી મેળવવું પડે છે જે પણ પૂરતું થઈ શકતું નથી. સ્થાનિક કાઉન્સિલરોએ ગ્રાન્ટ આપી હોવા છતાં સ્ટ્રીટલાઈટો નખાતી નથી સિનિયર સિટીઝન પાર્કની માગણી સંતોષાતી નથી. ઉપરાંત મહિલા ઉદ્યાન, બાળકો માટે વાંચનાલય, પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, સહિતની સુવિધા ઊભી કરવા વર્ષોની માંગ સંતોષાતી નથી ટીપી ફાઈનલ થઈ ન હોવાથી ટીપી નોન ટીપી વિસ્તારમાં રસ્તાઓ બનાવાના નથી આથી વહેલી તકે નોનટીપી ટીપી રસ્તાઓ બનાવવા સ્થાનિક કાઉન્સિલરો અને આગેવાનોની માગણી છે.
આ ઉપરાંત સંકલિતનગરના ૧ર૪૮ જેટલા મકાનો આજે પણ કોર્પોરેશનના નામે બોલે છે. લોકો મકાન હોવા છતાં માલિક બની શકતા નથી. લોકો નાણાં ભરવા પણ તૈયાર છે. આથી મ્યુનિ.કોર્પોરેશન વહેલી તકે તેઓના માલિકી હક સાથે તેવી માગ બુલંદ બની છે.