લંડન, તા.૨૦
ક્રિકેટ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ફાઈનલમાં ઓવર થ્રોને લઈને થયેલા વિવાદ બાદ હવે ઓવર થ્રોના નિર્ણય અંગે ફેરવિચારણા કરવામાં આવી શકે છે. ક્રિકેટના નિયમો બનાવતા ધ મેરીલબોન ક્રિકેટ ક્લબ (એમસીસી) આ ઘટનાને ધ્યાનમાં રાખીને ઓવર થ્રોના રન અંગે ફરીથી વિચારણા કરશે.
મીડિયા અહેવાલ પ્રમાણે એમસીસીને લાગે છે કે એમસીસીની લો-સબ કમિટીની આગામી બેઠક જ્યારે પણ મળશે ત્યારે ઓવર થ્રો અંગે ચોક્કસથી વિચાર કરવો જોઈએ. નોંધનીય છે કે ફાઈનલની અંતિમ ઓવરમાં માર્ટિન ગુપ્ટિલે કરેલો થ્રો બેન સ્ટોક્સના બેટને અડ્યો હતો અને બોલ બાઉન્ડ્રી બહાર જતા ઈંગ્લેન્ડને ઓવર થ્રોના ચાર રન મળ્યા હતા. આ ચાર રનથી મેચની બાજી પલટાઈ ગઈ હતી.
એટલું જ નહીં અમ્પાયર્સ કુમાર ધર્મસેના અને મારિયસ એરાસમસે પણ ઈંગ્લેન્ડને બે રન દોડના અને ચાર ઓવર થ્રોના મળીને કુલ છ રન આપ્યા હતા. હકીકતમાં ઈંગ્લેન્ડને પાંચ રન મળવા જોઈતા હતા કેમ કે જ્યારે ગુપ્ટિલે થ્રો માર્યો ત્યારે સ્ટોક્સ અને આદિલ રાશિદ બીજા રન માટે એકબીજાને ક્રોસ થયા ન હતા. ઈંગ્લેન્ડને જીતવા માટે ત્રણ બોલમાં નવ રન જોઈતા હતા અને આ ઓવર થ્રોના કારણે તેમને બે બોલમાં ત્રણ રન કરવાના આવી ગયા હતા.
સ્ટોક્સે પણ થ્રો બેટને અડ્યા બાદ હાથ ઊંચા કરીને માફી માંગી હતી અને ટેસ્ટ ટીમના તેના સાથી ખેલાડી જેમ્સ એન્ડરસને બાદમાં કહ્યું હતું કે તેણે અમ્પાયરને ઓવર થ્રોના ચાર રન પર લેવાનું કહ્યું હતું. પરંતુ આ નિયમ હોવાના કારણે અમ્પાયર પણ કંઈ કરી શકે તેમ ન હતા.