(એજન્સી) નવી દિલ્હી , તા.૨૨
આઇએનએક્સ મીડિયા કૌભાંડ કેસમાં ભૂતપૂર્વ નાણા અને ગૃહ પ્રધાન પી.ચિદમ્બરમને રાઉજ એવન્યુ કોર્ટ સ્થિત સીબીઆઇની ખાસ અદાલતે ૨૬મી ઓગસ્ટ સુધી સીબીઆઇની કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ આપતા ચિદમ્બરમની મુશ્કેલીઓ વધુ વધી ગઇ છે. સીબીઆઇ દ્વારા નાટયાત્મક રીતે ગઇરાત્રે ધરપકડ કરાયેલા ચિદમ્બરમને ગુરૂવારે ખાસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ખાસ કોર્ટના જજ અજય કુમાર કુહારે બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ જણાવ્યું કે તથ્યો પર વિચાર કર્યા બાદ ચિદમ્બરમને રિમાન્ડ પર સીબીઆઇ કસ્ટડીમાં મોકલવાનું યોગ્ય છે. કોર્ટે ચિદમ્બરમના પરિવાર અને તેમના વકીલને દરરોજ તેમની સાથે ૩૦ મિનિટ સુધી મુલાકાત કરવા દેવાની મંજૂરી આપી છે. ચિદમ્બરમને સીબીઆઇ બિલ્ડીંગના ગેસ્ટહાઉસ ફ્લોરના ‘લોક-અપ સૂટ ૩’માં રાખવામાં આવશે.
અગાઉ, કોર્ટમાં રજૂઆત દરમિયાન સીબીઆઇએ કોર્ટમાં જણાવ્યું હતું કે બિન-જામીનપાત્ર વોરન્ટ જારી થયા બાદ જ ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઇએ કોર્ટ સમક્ષ એવી પણ રજૂઆત કરી કે આ કેસના અન્ય આરોપીઓની સામે બેસાડીને ચિદમ્બરમની પૂછપરછ કરવાની છે. ચિદમ્બરમ તપાસમાં સહકાર આપી રહ્યા નથી. સીબીઆઇએ એવું પણ કહ્યું કે ચિદમ્બરમે સંપૂર્ણ દસ્તાવેજો આપ્યા નથી. વારંવાર કહેવામાં આવ્યા બાદ પણ દસ્તાવેજ ઉપલબ્ધ કરાવ્યા નથી. સીબીઆઇએ ખાસ કોર્ટમાં હાઇકોર્ટનો આદેશ પણ સુપરત કર્યો અને જણાવ્યું કે હાઇકોર્ટે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. આ કેસમાં ચાર્જશીટ હજી ફાઇલ થઇ નથી. અમે પ્રિ-ચાર્જશીટના તબક્કાએ છીએ, અમેે કેટલાક દસ્તાવેજની રાહ જોઇ રહ્યા છીએ. આરોપી પ્રશ્નો ટાળતા રહ્યા છે. તેમના કસ્ટોડિયલ ઇન્ટરોગેશનની જરૂર છે. સીબીઆઇએ કોર્ટમાં કેસ ડાયરી પણ સુપરત કરી છે. અજ્ઞાત અધિકારીઓએ પોતાના હોદ્દાનો ખોટો ઉપયોગ કર્યો છે. આઇએનએક્સે પૈસા અને વ્યાજ કંપનીને આપ્યા છે. ઇન્દ્રાણી મુખરજીએ ૫૦ લાખ ડોલર આપ્યા. પૂછપરછમાં જ યોગ્ય માહિતી મળી શકશે. તેમાં સંપૂર્ણ એક મની ટ્રેલ છે. જ્યારે બીજીબાજુ, ચિદમ્બરમ વતી કોર્ટમાં ઉપસ્થિત થયેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું કે આ કેસના આરોપી કાર્તિ ચિદમ્બરમને ૨૦૧૮ની ૨૩મી માર્ચે જામીન મળી ગયા છે. બીજા આરોપી ભાસ્કર રમનને આ કોર્ટના આગાતરા જામીન મળી ગયા છે. હાઇકોર્ટના ચુકાદાથી એવું લાગે છે કે એક ડ્રાફ્ટ ચાર્જશીટ તૈયાર થઇ ગઇ છે, તેથી એવું લાગે છે કે તપાસ પુરી થઇ ગઇ છે. આ કેસમાં સરકારના ૬ સચિવોને એફઆઇપીબી એપ્રૂવલ આપી છે, તેમનામાંથી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી. એફઆઇપીબીને સચિવોના એપ્રૂવલ બાદ નાણા મંત્રાલયે મંજૂરી આપી હતી. કપિલ સિબ્બલે કોર્ટમાં જણાવ્યું કે ચિદમ્બરમને પૂછવામાં આવેલા ૧૨ પ્રશ્નમાંથી ૬ પ્રશ્નના જવાબ તેઓ અગાઉની પૂછપરછમાં આપી ચુક્યા છે. ગાઇ રાત્રે ધરપકડ કરાયા પછીથી આજે ગુરૂવારે સવારે ૧૧ વાગ્યા સુધી સીબીઆઇએ કોઇ પૂછપરછ કરી નથી. જ્યારે ચિદમ્બરમે વારંવાર પૂછપરછ કરવાનું કહ્યું હતું. સીબીઆઇની ખાસ કોર્ટમાં રજૂઆત દરમિયાન ચિદમ્બરમે પોતાની રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે સીબીઆઇએ મને પૂછ્યું કે વિદેશમાં તમારૂં કોઇ એકાઉન્ટ છે ? મેં કહ્યું કે મારા પુત્રનું વિદેશમાં એકાઉન્ટ છે, મારૂં વિદેશમાં કોઇ એકાઉન્ટ નથી. ૨૦૧૮ની ૬ઠ્ઠી જૂને સીબીઆઇના દરેક પ્રશ્નનો મેં જવાબ આપ્યો હતો. મેં કોઇ પૈસા લીધા નથી. નોંધનીય છે કે, ચિદમ્બરમે બે વાર કોર્ટમાં બોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સીબીઆઇએ બંને વખત તેનો વિરોધ કર્યો હતો. સીબીઆઇ તરફથી કેહવામાં આવ્યું કે આ ખોટી પરંપરા છે. તેમની તરફથી બે વકીલ રજૂઆત કરી રહ્યા છે અને તેનો અમે કોઇ વિરોધ કર્યો નથી.