(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન પી.ચિદમ્બરમને આઇએનએક્સ મીડિયાના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની તપાસમાં ભારે રાહત મળી છે. સુપ્રીમકોર્ટે ઇડી દ્વારા ચિદમ્બરમની ધરપકડ કરવા સામે પાંચમી સપ્ટેમ્બર સુધી વચગાળાની સુરક્ષા લંબાવી દીધી છે. હવે ઇડી પાંચમી સપ્ટેમ્બર સુધી ચિદમ્બરમની ધરપકડ કરી શકશે નહીં. તદ્‌ઉપરાંત સુપ્રીમકોર્ટે ઇડીના મની લોન્ડરિંગના મામલામાં ચિદમ્બરમની આગોતરા જામીન અરજીને ફગાવીદેવાના દિલ્હી હાઇકોર્ટના આદેશ સામે પોતાનો ચુકાદો પાંચમી સપ્ટેમ્બર સુધી અનામત રાખ્યો છે. દરમિયાન, એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આઇએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઇ ચિદમ્બરમને એક નંબરનો આરોપી બનાવી શકે છે. એવા પણ અહેવાલ છે કે ટોચની તપાસ એજન્સી ચિદમ્બરમના લાય ડિટેક્ટર ટેસ્ટનો પણ આગ્રહ કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે પૂછપરછમાં ચિદમ્બરમ સીબીઆઇના પ્રશ્નોના ગોળ-ગોળ જવાબ આપી રહ્યા છે.ચિદમ્બરમે આઇએનએક્સ મામમલામાં સીબીઆઇની કસ્ટડી માટે ટ્રાયલ કોર્ટના ૨૨ ઓગસ્ટના આદેશને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો. આ મામલામાં હવે બીજી સપ્ટેમ્બરે સુનાવણી થશે. હાલમાં ચિદમ્બરમ સીબીઆઇની કસ્ટડીમાં છે. દિલ્હીની ખાસ સીબીઆઇ કોર્ટે સોમવારે તેમની કસ્ટડીની અવધિ ૩૦મી ઓગસ્ટ સુધી લંબાવી દીધી હતી. નોંધનીય છે કે આઇએનએક્સ મીડિયા મામલામાં ચિદમ્બરમની સીબીઆઇએ ૨૨મી ઓગસ્ટે નાટકીય ઘટનાક્રમ બાદ ધરપકડ કરી હતી. સીબીઆઇઅને ઇડીએ આઇએનએક્સ મીડિયાના પ્રમોટર ઇન્દ્રાણી મુખરજી અને તેના પતિ પીટર મુખરજીના નિવેદનોને આધારે ચિદમ્બરમ પર સકંજો મજબૂત બનાવ્યો હતો.