(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
પૂર્વ નાણાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ પી.ચિદમ્બરમે કહ્યું છે કે સરકાર પેટ્રોલની કિંમતોમાં રૂા.રપ લીટરે ઘટાડો કરી શકવા સમર્થ છે છતાં સરકાર આ દિશામાં કોઈ કાર્યવાહી કરતી નથી.
છેલ્લા નવ દિવસોમાં પેટ્રોલની કિંમત લીટરે રૂા.ર.ર૪નો વધારો થયો છે. ટ્‌વીટર પર ચિદમ્બરમે કહ્યું છે કે, લીટરે રપ રૂપિયા ઘટાડવા સંભવ છે. પરંતુ સરકાર આવું નહીં કરે. સરકાર પેટ્રોલની કિંમતોમાં ૧થી ર રૂપિયાનો ઘટાડો કરી લોકોને કામચલાઉ ખુશ કરશે. તેમણે કહ્યું કે, ક્રૂડના ભાવોમાં ઘટાડા સાથે સરકાર દર લીટરે રૂા.૧પ બચાવી રહી છે. તે પછી પણ રૂા.૧૦ વધારાનો ટેકસ લગાવે છે. ચિદમ્બરમે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં લગાતાર વધારા બદલ કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી છે. પેટ્રોલ લીટરે રૂા.રપનો સરકાર નફો કરી રહી છે. જે પૈસા પર આમ આદમીનો અધિકાર છે. પેટ્રોલ-ડિઝલની રોજ-રોજ વધતી કિંમતોથી લોકો પરેશાન છે. કોંગ્રેસ સરકારમાં ક્રૂડના ભાવ વધુ હતા. છતાં આટલી મોંઘવારી નહતી. મોદી સરકારમાં ક્રૂડના ભાવ ઓછા છે છતાં પેટ્રોલ-ડિઝલના ભાવો આસમાને જઈ રહ્યા છે. લોકોનું માનવું છે કે, પેટ્રોલ ૧૦૦ રૂપિયે લીટર પહોંચી રહ્યું છે. સરકાર ઝડપી કિંમતો નહીં ઘટાડે તો આવનારા દિવસોમાં તેની ચૂંટણી પર અસર પડશે.
ભાજપના પ્રમુખ અમિત શાહે મંગળવારે કહ્યું કે, પેટ્રોલના ભાવવધારાને સરકાર ગંભીરતાથી લઈ રહી છે. તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. બુધવારે પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તે કંપનીઓ સાથે બેઠક કરનાર છે.
સરકાર ઉત્પાદ શુલ્કમાં કાપ મૂકી શકે છે. હાલમાં પેટ્રોલ પર લીટરે રૂા.૧૯.૪૮ અને ડીઝલ પર ૧પ.૩૩ ઉત્પાદ શુલ્ક લેવાય છે. બીજા ઉપાય તરીકે સરકાર પેટ્રોલિયમ પેદાશોને જીએસટીના દાયરામાં લાવવા વિચારી રહી છે. જેમાં ભાજપ શાસિત રાજ્યોમાં વેટ ઘટાડવા કહેવામાં આવી શકે છે. જીએસટી દાયરામાં લાવવાથી કિંમતોમાં લીટરે ૧૦થી ૧પ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. પરંતુ આ નિર્ણય જીએસટી પરિષદ કરી શકે છે.
સૂત્રોએ કહ્યું કે, ડોલરનું મૂલ્ય ૬૭.૯૭ પૈસા રહ્યું છે. જે નીચલા સ્તરે છે. તેથી કિંમતો વધી છે. પેટ્રોલ-ડીઝલ પર ૧ રૂપિયો ઉત્પાદ શુલ્ક ઘટાડવાથી ૧૩ હજાર કરોડનું રાજસ્વ નુકસાન થશે. દિલ્હીમાં ર૩મેના રોજ પેટ્રોલ-૭૭.૧૭ થયું છે.
બુધવારે ડીઝલ પર ર૬ પૈસા લીટરે વધારો નોંધાયો. જેથી ડીઝલના ભાવ રૂા.૬૮.૩૪ થયા. મુંબઈમાં પેટ્રોલ ર૯ પૈસા મોંઘું થયું. જેથી લીટરે ભાવે ૮૪.૯૯ થયો. મુંબઈમાં ડીઝલ ર૮ પૈસા મોંઘું થતાં લીટરે ભાવ ૭ર.૭પ થયો. દેશમાં પેટ્રોલનો સૌથી વધુ ભાવ મુંબઈમાં છે. દિલ્હીમાં સ્થાનિક ટેક્ષ ઓછા હોવાથી પેટ્રોલ ૭૭.૧૭ના ભાવે વેચાય છે. જ્યારે ડીઝલ ૬૮.૩૪ના ભાવે વેચાય છે. વિપક્ષી દળોએ પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે સરકારની તીવ્ર આલોચના કરી હતી.