(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૧૭
શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોસઈ સંજયસિંહ જાડેજાએ પોતે લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હોવાથી ચકચારી ઘટનામાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ મૃતક પોસઈના સગા-સંબંધીઓ તથા પોતાને વડોદરામાં ફાવ્યું ન હોવાનું જણાવતા હતા. કામના ભારણને લીધે આત્મહત્યા કરી હોય તેવુ પ્રાથમિક રીતે જાણી શકાય તેમ નથી. પરંતુ તપાસના અહેવાલ પછી જ સાચી હકીકત બહાર આવે તેવી શક્યતાઓ છે તેમ પોલીસ ઉચ્ચ અધિકારીઓ જણાવી રહ્યા છે.
મૂળ રાજકોટ જિલ્લાના સતુદળ ગામના વતની સંજયસિંહ શિવુભા જાડેજા પોસઈ તરીકે વડોદરામાં આઠ મહિના પહેલા નિમણૂક થઈ હતી. તેઓ સયાજીગંજ પોલીસ મથક હેઠળની અલકાપુરી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હતા. ગત તા.૧રમીએ તેમની ક્રાઈમ બ્રાન્ચમાં બદલી થઈ હતી. જેમાં તેમને અછોડા તોડને પકડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સામાન્ય રીતે પોલીસ ફોર્સમાં દરેક અધિકારીઓ, કર્મચારીઓ ઉપર કામનું ભારણ રહેતુ જ હોય છે. એટલે કામના ભારણને લીધે આત્મહત્યા કરી લે તેવું પ્રાથમિક દૃષ્ટિએ માની લેવાય નહી. આની પાછળ અનય કોઈ કારણો પણ જવાબદાર હોઈ શકે છે.
સયાજીગંજના પો.ઈ. હરેશ વોરાએ મિડીયા કર્મીઓને જણાવ્યું હતું કે બે માસની પોલીસ ટ્રેનિંગમાં હતા ત્યાર પછી એક માસ સુધી સયાજીગંજ પોલીસ મથકમાં નોકરી કરી હતી. આઠમી સપ્ટેમ્બરે તેમની ડીસીબીમાં બદલી કરી હતી. મારી સામે કોણે આરોપ લગાવ્યા છે તેની મને જાણ નથી. તેઓ મારી પાસે નોકરીમાં જ ન હતા તો ત્રાસ કેવી રીતે આપું તેમ પો.ઈ.વોરાએ સ્પષ્ટતા કરી હતી.
વાયરલ થયેલા વીડિયોમાં સ્વ.જાડેજાના ખાસ મિત્રએ પો.ઈ. વોરા ઉપર આક્ષેપ લગાવ્યો છે કે સ્વ. જાડેજા ઉપર પો.ઈ. વોરાનું માનસિક પ્રેસર અને ટોર્ચરીંગ હોવાનું જાણવા મળ્યું છે તેમણે ગૃહમંત્રીને તપાસ કરી યોગ્ય ન્યાય માટે માગણી કરી છે.