અમદાવાદ,તા.૧૦
પાટીદારને અનામતની માંગ સાથે ચાલી રહેલા આંદોલનમાં હાલ તો કોંગ્રેસ પાટીદારોને અનામત કઇ રીતે આપશે તે અંગે આંદોલનકારીઓ કોંગી નેતાઓ સાથે ચર્ચા થયા બાદ હવે ફરી મીટિંગ મળવાની છે. ત્યારે બીજી તરફ પાટીદારો ઉપર અત્યાચાર ગુજારનારી ભાજપ સરકારને ઘેરભેગી કરવા ખુદ આંદોલનકારીઓ ચૂંટણી લડશે. પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે પાસના અડધો ડઝન જેટલા સભ્યોએ કોંગ્રેસ પાસે ટિકિટોની દાવેદારી કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા અનામત આંદોલનની અસર કયાંકને કયાંક ચૂંટણીમાં પડે તેમ છે. જેના લીધે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ આંદોલન કોઇને દઝાડે કે કોઇને રાહત આપી શકે છે. જો કે હાલ તો ગુજરાતની ભાજપ સરકારથી નારાજ પાટીદારોનું કોંગ્રેસ પ્રત્યે કૂણું વલણ છે. ત્યારે પાસના સભ્યોએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાસની કોર કમિટીના સભ્યોમાંથી અતુલ પટેલ, લલિત વસોયા, મનોજ પનારા, કિરીટ પટેલ, દિલીપ સાબવા અને ગીતા પટેલે કોંગ્રેસ પાસેથી ટિકિટની માંગ કરી છે. જેમાં અતુલ પટેલે સાબરમતી બેઠક માટે જ્યારે ગીતા પટેલે અમદાવાદમાં પાટીદારોનું વર્ચસ્વ ધરાવતી બેઠક ઉપરથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. જ્યારે અન્ય દાવેદારોએ રાજ્યમાં પાટીદારોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારની બેઠકો પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જ્યારે અનામત આંદોલન શરૂ થયું ત્યારથી એસપીજી ગ્રુપ સાથે જોડાઇને આંદોલનમાં સક્રિય ભાગ ભજવનારા અમદાવાદના વસ્ત્રાલના નચિકેત મુખીએ હવે ભાજપને સત્તાથી દૂર રાખવા કોંગ્રેસના પંજાનો સહારો લીધો છે. ત્યારે નચિકેત મુખીએ હાલ વટવાની બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડવાની દાવેદારી નોંધાવી છે. અત્રે નોંધનીય છે કે,પાટીદારો ઉપર દમન ગુજારનારી ગુજરાતની ભાજપ સરકાર સામે પાટીદારોમાં ભારે રોષ છે. જેના લીધે હાલ તો રાજ્યના અનેક પાટીદારનું વર્ચસ્વ ધરાવતા ગામોમાં ભાજપ માટે પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે. જ્યારે તાજેતરમાં પાટીદારોનો ગઢ ગણાતા સુરતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સભામાં જનમેદની ઉમટી પડી હતી. તેવામાં અનામત આંદોલનનાં આંદોલનકારીઓએ ભાજપના કમળને મસળી નાંખવા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. ત્યારે ભાજપ પણ આંદોલનકારીઓની સામે રેશમા પટેલ અને વરૂણ પટેલને મેદાનમાં ઉતારે તો નવાઇ નહીં.