(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૪
દેશભરના શાંતિપ્રિય લોકોના જીવ અધ્ધર કરી દેનાર પદ્માવત ફિલ્મ આવતીકાલ રપ જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે. બીજી તરફ રાજપૂત સમાજે કોઈપણ ભોગે આ ફિલ્મ રિલીઝ ન કરવા દેવા આવતીકાલે બંધનું એલાન આપ્યું છે દરમ્યાન જે થિયેટરોમાં ફિલ્મ દર્શાવાની જાહેરાત કરાઈ હતી તેમાં મંગળવારે મોડી રાત્રે ભારે તોડફોડ કરી આગચંપી કરવામાં આવતા ગુજરાતમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. બંધના એલાનને લઈને પણ લોકોમાં ભારે દહેશતનો માહોલ છે. પદ્માવત ફિલ્મ આવતીકાલે દેશભરમાં રિલીઝ થવાની છે ત્યારે કરણીસેનાએ પણ કોઈપણ ભોગે આ ફિલ્મ રિલીઝ થવા નહીં દેવાય, તેવી ધમકી ઉચ્ચારી છે. ત્યારે આવતીકાલના ભારત બંધના એલાનને પગલે લોકોમાં શું કરવું ? તેવો દહેશતનો માહોલ છે. કાલે નોકરીએ જવું કે કેમ ! ધંધા રોજગાર ચાલુ રાખવા કે નહીં તે અંગે લોકો અસમંજસમાં છે. એમાંય અમદાવાદમાં મંગળવારે રાત્રે પશ્ચિમ વિસ્તારમાં હિંસાનો નગ્ન ખેત રચાયો તેનાથી તો લોકોમાં વધારે ભય ફેલાઈ ગયો છે અને આ છમકલું રાજકીય તોફાનમાં પ્રવર્તી શકે છે તેવી દહેશત વ્યકત કરી રહ્યા છે.
દરમ્યાન આજરોજ પદ્માવત ફિલ્મના વિરોધમાં રાજયમાં અનેક જિલ્લા, શહેરો અને ગામડાઓમાં દેખાવો, તોડફોડ આગચંપી, પથ્થરમારો, ચક્કાજામ જેવા હિંસક પ્રદર્શન જારી રહ્યા હતા. અમદાવાદ વડોદરા એકસપ્રેસ હાઈવે પર ટોળાએ ચક્કાજામ કરતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સુરતમાં રાજપૂત કરણીસેનાના લોકોએ ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો. સુરત કરણીસેનાના પ્રમુખના જણાવ્યા મુજબ સુપ્રીમકોર્ટે પદ્માવત ફિલ્મને દર્શાવવાની ભલે મંજૂરી આપી હોય પરંતુ હિન્દુઓની અખંડતા સામે ઉભા થયેલા પ્રશ્નોને લઈ વિરોધ જારી રહેશે. અને કાયમી ધોરણે આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવા માગ કરી છે. રાજકોટમાં તો રાજપૂત સમાજની મહિલાઓ પણ મેદાનમાં આવી છે અને દરેક સમાજને આ ફિલ્મ ન જોવા અપીલ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ અમદાવાદ હાઈવે પર કરણીસેના દ્વારા ચક્કાજામ કરી દેવાયો હતો. હાઈવે બંધ કરી દેવાતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જો કે સાયલા પોલીસે દોડી આવી ડઝનેક લોકોની અટકાયત કરી હાઈવે ખુલ્લો કરાવ્યો હતો. એ જ રીતે ગોંડલમાં પણ રાજપૂત સમાજે ફિલ્મ પ્રદર્શિત થતી અટકાવવા શકિત પ્રદર્શન યોજયું હતું. મોટી સંખ્યામાં રાજપૂતોએ બેનરો સાથે રેલી કાઢી ફિલ્મ પ્રદર્શિત થતી અટકાવવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
ભાવનગરમાં પણ પદ્માવત ફિલ્મનો વિરોધ ઉઠી રહ્યો છે આવતીકાલે ભારત બંધના એલાનને ભાવનગર ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશને ટેકો જાહેર કરી ગુરૂવારે સવારે ૬થી રાત્રીના ૯ વાગ્યા સુધી શહેરની તમામ નાની મોટી ટ્રાવેલ્સ બસો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. હાઈવે પર બસોમાં તોડફોડ અને આગચંપી જેવી ઘટનાઓ બની રહી હોવાથી ભાવનગરથી અન્યત્ર જતી તમામ ખાનગી બસ સેવાઓ બંધ રહેશે આ ઉપરાંત જૂનાગઢ, ગીરસોમનાથ, તાલાલા, માંગરોળ, દ્વારકા સહિતના શહેરોમાં રાજપૂતો દ્વારા ધરણા, દેખાવો, રેલી યોજવામાં આવી હતી.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ, તાલુકામાં ટોળાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું જિલ્લામાં જુદી જુદી જગ્યાએ હાઈવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યા હતા તો પાટણના સાંતલપુરમાં પદ્માવતના વિરોધમાં પ્રાંતઅધિકારીને ફિલ્મ રિલીઝ ન કરવા આવેદનપત્ર પાઠવ્યું હતું. ડીસામાં હાઈવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો તો કાંકરેજના ઉણગામ પાસે ઉશ્કેરાયેલા ટોળાએ પાલનપુર, ભૂજ, બસ પર પથ્થરમારો કરી સળગાવવાનો પ્રયાસ કરતા આ હુમલામાં ડ્રાઈવર સહિત છ લોકોને ઈજા પહોંચી હતી. આમ પદ્માવત ફિલ્મના વિરોધને લઈ રાજયમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થઈ છે.
‘પદ્માવત’ ફિલ્મના વિરોધમાં હિંસક પ્રદર્શન બાદ ગુજરાતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

Recent Comments