(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત વિરૂદ્ધ રાજપૂત સંગઠનોની લડાઈ રાજસ્થાનથી હવે મુંબઈ પહોંચવાની છે. રાષ્ટ્રીય કરણી સેનાએ એલાન કર્યું છે કે, ૧ર જાન્યુઆરીએ લાખોની સંખ્યામાં સમગ્ર દેશમાંથી રાજપૂત મુંબઈ પહોંચી સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીના કાર્યાલય ફરતે ઘેરો કરશે. રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીએ એલાન કર્યું છે કે, તેઓ મુંબઈ પહોંચી સરકારને ફિલ્મ રિલીઝ રોકવા વિવશ કરશે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો છે પરંતુ દેશના અન્ય ભાગોમાં રપ જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થશે. જ્યારે પ્રસૂન જોશીએ નિવેદન આપ્યું છે કે ફિલ્મના નામ બદલવા સિવાય અન્ય કોઈ ફેરફાર નથી કરાયો તેથી કરણી સેના નારાજ છે. કરણી સેનાએ મુંબઈ અને દિલ્હી જઈ સેન્સર બોર્ડ વિરૂદ્ધ મોરચો ઊભો કરવાનું રાજપૂતોને આહ્‌વાન કર્યું છે અને સાથે ધમકી પણ આપી છે કે જો પણ સિનેમા હોલમાં ફિલ્મ બતાવવામાં આવશે ત્યાં તોડફોડ કરવામાં આવશે. સરકાર નહીં માને તો દેશભરમાં હિંસક પ્રદર્શન થશે. કરણી સેનાએ ચેતવણી આપી છે કે જો કેન્દ્રની ભાજપ સરકાર ફિલ્મ રિલીઝ કરવા માટે સંમત થશે તો ચૂંટણીમાં પણ રાજપૂત સંગઠન ભાજપ વિરૂદ્ધ રહેશે. તેમનું માનવું છે કે, ફિલ્મનું નામ પદ્માવત રાખવાથી કંઈ નહીં થાય કારણ કે લોકો જાણે છે કે ફિલ્મમાં રાની પદ્મિનીની અંગે દર્શાવવામાં આવ્યું છે. કરણી સેનાનું એક પ્રતિનિધિ મંડળ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીને પણ મળશે.