નવી દિલ્હી, તા. ૨૮
સુપ્રીમ કોર્ટે એક મહિનામાં ત્રીજી વાર પદ્માવતી ફિલ્મ પર રોક લગાવવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. એટલું જ નહીં કોર્ટે મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર સરકારને પણ ફટકાર લગાવી છે. કેટલાક લોકો ફિલ્મ જોયા વિના તે અંગે ટીપ્પણી કરી રહ્યા છે. કોર્ટે કહ્યું કે, જાહેર કાર્યાલયોમાં બેસેલા લોકોએ આવા મુદ્દાઓ પર ટીપ્પણી કરવી જોઇએ નહીં. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આખરે ફિલ્મ જોયા વિના જવાબદાર પદો પર બેસેલા લોકો આવા નિવેદન કેવી રીતે કરી શકે છે ? સુપ્રીમે કહ્યું કે, જવાબદાર પદો અને જાહેર ઓફિસોમાં બેસેલા લોકોની ફિલ્મ અંગે નિવેદનબાજી બંધ થાય કેમ કે આ સેન્સર બોર્ડના મગજમાં પક્ષપાત પેદા કરે છે. કોર્ટે કહ્યું કે, જો કોઇ એવું કરે તો કાયદાના રાજ્યના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે.આવા લોકોએ એ વાત મગજમાં રાખવી જોઇએ કે, આપણે કાયદાના રાજ્ય અંતર્ગત શાસિત છીએ. જ્યારે સીબીએફસી પાસે આ કેસ પડતર હોય તો જવાબદાર લોકોએ કોઇ ટીપ્પણી કરવી ન જોઇએ કેમ કે, સેન્સર બોર્ડ કાયદા અંતર્ગત કામ કરે છે અને કોઇ તેને એમ ન કહી શકે કે, કેવી રીતે કામ કરવું. અમને આશા છે કે, સંબંધિત લોકો કાયદાનું પાલન કરશે. બીજી તરફ નિર્માતા તરફથી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરિષ સાલ્વેએ જણાવ્યંુ હતું કે, તેઓ દેશ બહાર ફિલ્મને રીલિઝ નહીં કરે આનાથી ફિલ્મને નુકસાન થશે. કોર્ટે જોકે, આ અરજી ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, આ મામલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે, જો ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરી ચિત્તોડની રાણી પદ્માવતીના સન્માન વિરૂદ્ધ આફિલ્મમાં દૃશ્ય રાખવામાં આવશે તો મધ્યપ્રદેશમાં ફિલ્મની પરવાનગી આપવામાં નહીં આવે. રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ જણાવ્યું હતું કે, જરૂરી ફેરફારો વિના પદ્માવતી રાજસ્થાનમાં રીલીઝ નહીં થાય. તેમણે કહ્યું હતું કે, મેં પહેલા જ ઇતિહાસકારો અને રાજસ્થાનના રાજપૂતોને ફિલ્મ દેખાડવા સલાહ આપી હતી. પરંતુ એમ ના થયું અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી રાજ્ય સરકારની છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવયું હતું કે, ગુજરાત સરકાર રાજપૂતોની ભાવનાઓને ઠેસ પહોંચાડનારી ફિલ્મ પદ્માવતીને રાજ્યમાં રીલીઝ કરવાની પરવાનગી આપી શકે નહીં. અમે અમારા ઇતિહાસ સાથે છેડછાડની પરવાનગી આપી શકીએ નહીં. અમે અભિવ્યક્તિની આઝાદીમાં વિશ્વાસ રાખીએ છીએ પરંતુ અમારી મહાન સંસ્કૃતિ વિરૂદ્ધ કોઇપણ પ્રકારની છેડછાડ સાંખી લઇશું નહીં. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં ફિલ્મની વિદેશમાં રોક લગાવવાની માગ કરવામાં આવી હતી અરજીમાં વકીલ એમએલ શર્માએ ફિલ્મની પહેલીડિસેમ્બરના રોજ દેશબહાર રીલીઝ થવા પર રોકની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, ફિલ્મના નિર્માતાએ કોર્ટને ગેરમાર્ગે દોરી છે. અરજીમાં આરોપ લગાવાયો હતો કે, પદ્માવતી ફિલ્મમાં ઐતિહાસિક ચરિત્ર રાણી પદ્માવતીના ચરિત્રને ખરાબ અને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો ફિલ્મ પર રોક લગાવવામાં નહીં આવે તો તેનું નુકસાન ભોગવવું પડશે. આ પહેલા શર્માએ વધુ એક અરજી દાખલ કરી હતી જેમાં પદ્માવતીને દેશમાં રીલીઝ નહીેં કરવાનો આદેશ માગ્યો હતો. કોર્ટે એમ કહેતા આ મામલેસુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો કે, આ કેસ સેન્સર બોર્ડમાં પડતર છે.
પદ્માવતી ફિલ્મમાં વિદેશી ભંડોળ
હોવાનો CBFC સભ્યના આક્ષેપો

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
સુપ્રીમકોર્ટે વકીલ મનોહરલાલ શર્માની અરજી રદ કરી હતી જેમાં પદ્માવતી ફિલ્મના પ્રદર્શન ઉપર પ્રતિબંધ મૂકવા માગણી કરાઈ હતી. કોર્ટે બંધારણીય હોદ્દાઓ ધરાવતી વ્યક્તિઓ દ્વારા પદ્માવતી ફિલ્મ બાબતે વિવાદિત નિવેદનો કરવા બદલ પણ નારાજગી દર્શાવી હતી અને એમને ટકોર કરી હતી કે આ પ્રકારના નિવેદનો કરવા નહીં. કોર્ટે કહ્યું કે જે ફિલ્મને હજુ સેન્સર બોર્ડે સર્ટીફિકેટ પણ આપ્યું નથી. એ ફિલ્મ માટે પહેલેથી પૂર્વગ્રહ રાખી વિરોધો કરવા યોગ્ય નથી. સુપ્રીમકોર્ટની બેંચે કહ્યું કે જ્યાં સુધી સેન્સર બોર્ડનો સર્ટીફિકેટ નહીં મળે ત્યાં સુધી વિદેશોમાં પણ ફિલ્મ પ્રદર્શિત કરવામાં નહીં આવે. સુપ્રીમકોર્ટે યુકેમાં પદ્માવતીના પ્રદર્શન ઉપર પ્રતિબંધ મૂકવાની અરજી રદ કરી હતી અને એ સાથે રાજકીય નેતાઓને જણાવ્યું છે કે ફિલ્મ માટે પૂર્વગ્રહ રાખી કોઈ નિર્ણય કરવામાં નહીં આવે. સુપ્રીમકોર્ટે કહ્યું કે જ્યારે ફિલ્મ સેન્સર બોર્ડ સમક્ષ વિચારણા માટે પડતર છે ત્યારે કઈ રીતે ઉચ્ચ હોદ્દાઓ ધરાવતી વ્યક્તિઓ એ બાબતે પોતાનો નિર્ણય ફિલ્મ જોયા વિના આપી શકે છે ? પહેલાં એ તો જુઓ કે સેન્સર બોર્ડ ફિલ્મને સર્ટીફિકેટ આપે છે કે નહીં. જો પહેલાંથી જ વિરોધો થશે તો સેન્સર બોર્ડ પણ પૂર્વગ્રહ હેઠળ આવી જશે. એમ.એલ.શર્માની જાહેરહિત અરજી રદ કરતાં કોર્ટે ઉપરોકત ટિપ્પણી કરી હતી. શર્માએ આ પહેલાં પણ આ જ પ્રકારની અરજી દાખલ કરી હતી. સુપ્રીમે કહ્યું અમને વિશ્વાસ છે કે, નેતાઓ કાયદાના શાસનને અનુસરશે અને એ મુજબ નિવેદનો કરશે અને એનાથી બહાર જશે નહીં. ફિલ્મ દિગ્દર્શક તરફે રજૂઆત કરતાં વકીલ હરીશ સાલ્વેએ જણાવ્યું કે, અમે સેન્સર બોર્ડ દ્વારા સર્ટીફિકેટ મેળવ્યા પહેલાં વિદેશમાં ફિલ્મનું પ્રદર્શન કરવા ઈચ્છતા નથી કારણ કે એનાથી ધંધાકીય નુકસાન જ થશે. અરજી રદ કરતી વખતે નારાજ થયેલ કોર્ટે વકીલ શર્મા ઉપર દંડ ફટકાર્યો હતો કારણ કે એ સુપ્રીમકોર્ટમાં જ પ્રેક્ટિસ કરે છે. શર્માએ પોતાની અરજીમાં ભણસાલી સામે પણ પગલાં લેવા માગણી કરી હતી જેને કોર્ટે રદ કરી હતી. ફિલ્મની જાહેરાત થતાં જ એની વિરૂદ્ધ હોબાળો રાજપૂત કોમે દેશભરમાં મચાવ્યો છે. દરમિયાનમાં ભાજપના સીબીએફસીના એક સભ્ય અર્જુન ગુપ્તાએ વડાપ્રધાનને પત્ર લખી માગણી કરી છે કે ઈડી દ્વારા આ ફિલ્મમાં રોકાયેલા નાણાંની તપાસ કરાવવામાં આવે. ભાજપા નેતા સ્વામીએ આ પહેલાં આક્ષેપો મૂકયા હતા કે ફિલ્મને નાણાં દુબઈથી અપાયા હતા. સ્વામીએ કહ્યું હતું કે, મોટા બજેટોની ફિલ્મો માટે નાણાં દુબઈથી પૂરા પડાય છે. અમને ધ્યાન રાખવું પડશે કે એમાં કોઈ ષડયંત્ર છે કે કેમ ? દુબઈના લોકો ઈચ્છે કે મુસ્લિમ રાજાઓને હીરો તરીકે ચીતરવામાં આવે. એ બતાવવા માંગે છે કે, હિન્દુ મહિલાઓ મુસ્લિમ રાજાઓ સાથે સંબંધો સ્થાપવા તીવ્ર ઈચ્છા ધરાવતી હતી.