નવી દિલ્હી,તા. ૧૬
ફિલ્મ પદ્માવતીનો વિરોધ કરી રહેલી કરણી સેનાએ અભિનેત્રી દિપીકા ઉપર હુમલો કરવાની ધમકી પણ આપી દીધી છે. કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્રનું કહેવું છે કે જો અમને ઉશ્કેરવામાં આવશે તો અમે દિપીકાનું નાક કાપી દઇશું. પહેલી ડિસેમ્બરના દિવસે ફિલ્મની રજૂઆતના દિવસે અમે ભારત બંધની જાહેરાત કરી ચુક્યા છે. રાજસ્થાનમાં કરણી સેનાના વધુ એક નેતા મહિપાલ મકરાણાએ કહ્યું છે કે, દિપીકાને અમે ચેતવણી આપી રહ્યા છીએ. દિપીકાએ ફિલ્મના વિરોધની ટિકા કરી હતી અને કહ્યું હતું કે, કોઇપણ વ્યક્તિ પદ્માવતીની રજૂઆતને રોકી શકે નહીં. દિપીકાએ એમ પણ કહ્યું હતું કે, અમે દેશને આ રીતે પાછળ લઇ જઇ રહ્યા છે. કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્રએ આજે લખનૌમાં પત્રકાર પરિષદ યોજી હતી અને નિર્દેશક સંજય લીલા ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ફિલ્મમાં હિન્દુઓની ભાવના સાથે રમત કરવામાં આવી છે. તેમની ભાવનાને ઠેસ પહોંચાડવામાં આવી છે. ભણશાલીની ફિલ્મને દુબઈમાંથી ફંડ મલે છે. પાકિસ્તાનમાં બેઠેલા અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમે દુબઈ મારફતે ફિલ્મ માટે પૈસા આપ્યા છે. અમે ફિલ્મની રજૂઆતને મંજુરી આપીશું નહીં. ફિલ્મમાં રણવીરસિંહ અલાઉદ્દીન ખિલજીના રોલમાં અને રાની પદ્માવતીના રોલમાં દિપીકા છે શાહીદ રતનસિંહના રોલમાં છે.

પદ્માવતીને લઇને દરમિયાનગીરી કરવા કેન્દ્ર સરકારનો સ્પષ્ટ ઇન્કાર
સંજય લીલાભણશાલીની પદ્માવતી ફિલ્મને લઇને વિવાદ સતત વધી રહ્યો છે. સતત વધતા વિવાદ વચ્ચે હવે કેન્દ્ર સરકારે આ મામલામાં હાલ દરમિયાનગીરી કરવાનો ઇન્કાર કરી દીધો છે અને કહ્યું છે કે, કાયદો અને વ્યવસ્થાનો મામલો રાજ્યોનો છે. એકંદરે પરોક્ષરીતે સરકારનું કહેવું છે કે, જ્યાં સ્થિતિ સામાન્ય છે ત્યાં સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ફિલ્મને રજૂ કરી શકાય છે. બીજી બાજુ મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે, રાજ્યભરમાં આ ફિલ્મને રજૂ કરનાર થિયેટરોને મજબૂત સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે આજે કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા રાજ્યોનો વિષય છે અને રાજ્યોએ આને પોતાનીરીતે હાથ ધરવાની જરૂર છે. કેન્દ્ર સરકારનું વલણ સપાટી ઉપર આવ્યા બાદ જુદા જુદા રાજ્યો તરફથી પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. કેન્દ્રિય ગૃહમંત્રાલયનું કહેવું છે કે, સ્થિતિ ઉપર અમારી નજર છે. કોઇપણ પ્રકારની હિંસા અથવા તો અવ્યવસ્થાને ચલાવી લેવામાં આવશે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રાલયનું કહેવું છે કે, ઉત્તર પ્રદેશ સરકારના પત્રને ધ્યાનમાં લઇને પદ્માવતીને લઇને અમારી નજર છે. પરંતુ હાલમાં દરમિયાનગીરી કરવામાં આવશે નહીં. જુદા જુદા સમુદાયના લોકો વિવિધ રાજ્યમાં હોબાળો મચાવી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે સાફ શબ્દોમાં કહ્યું છે કે, પહેલી ડિસેમ્બરના દિવસે આ ફિલ્મ રજૂ થયા બાદ પુરતી સુરક્ષા આપવામાં આવશે. બીજી બાજુ ઉત્તર પ્રદેશ સરકારે કાયદો અને વ્યવસ્થાની સમસ્યાને ટાળવા ફિલ્મની રજૂઆતને રોકવા માહિતી અને પ્રસારણ મંત્રાલયને કહ્યું છે.