(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૨
વેસુમાં આવેલા પાલિકાના આવાસમાં એક અઠવાડિયા પહેલા ગેસ સિલિન્ડરમાં લિકેજ બાદ થયેલા બ્લાસ્ટમાં પરિવારને બચાવવા જતા દાઝી ગયેલા પડોશીનું રાત્રે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
મળતી વિગત મુજબ વેસુ એસ.ડી.જૈન કોલેજ પાસે ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝની સામે આવેલા પાલિકાના આવાસમાં રહેતા પ્રવિણ છગનભાઈ શાહના મકાનમાં ગત ૫મી ફેબ્રુઆરીના રોજ એકાએક ગેસ બોટલમાં લીકેજ થવાની કારણે આગ લાગી બ્લાસ્ટ થયો હતો. આગમાં પ્રવિણભાઈ અને તેની પત્ની જ્યોત્શાબેન દાઝી ગયા હતા. દંપતીએ બુમારાણ મચાવી મુકતા પડોશી વિનોદભાઈ ગોસ્વામી તેમને બચાવવા માટે દોડી ગયા હતા. તેમણે સૌપ્રથમ ત્રણ બાળકોને સહીસલામત રીતે બહાર કાઢ્યા હતા પરંતુ એ બહાર નિકળે એ પહેલા જ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા ગંભીર રીતે દાઝી ગયા હતા. બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા વેસુ અને મજુરા ફાયર સ્ટેશનની ચાર ગાડીઓ રવાના કરવામાં આવી હતી. ફાયરના લાશ્કરોએ આગને કાબુમાં લઈ દાઝી ગયેલા ત્રણેય જણાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. ત્યાં ગઈકાલે રાત્રે આઠ વાગ્યે વિનોદભાઈ ગોસ્વામીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.