અમદાવાદ,તા. ૧૭
ગુજરાત રાજ્યના બેરોજગાર યુવાનો, આશાવર્કર, આંગણવાડી બહેનો, ખેડૂતો, કોન્ટ્રાકટ અને આઉટસોર્સ કર્મચારીઓના કિસ્સામાં અગાઉ રાજય સરકારે યોગ્ય નિરાકરણ લાવવાની આપેલી બાંહેધરીનું પાલન નહીં થતાં અને તા.૧૬મી ઓકટોબર સુધીનું રાજય સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હોવા છતાં સરકાર તરફથી કોઇ નિર્ણય નહીં લેવાતાં ગુજરાત જન અધિકાર મંચના નેજા હેઠળ આજે ગાંધીનગર ખાતે જન વેદના મહાસંમેલન યોજાયું હતું. જેમાં રાજયભરમાંથી હજારો બેરોજગાર યુવાનો, આશાવર્કર, આંગણવાડી બહેનો, ખેડૂતો, કોન્ટ્રાક્ટ-આઉટસોર્સ કર્મચારીઓ સહિતના લોકો જોડાયા હતા. હજારો કર્મચારીઓના આંદોલનને પગલે ગાંધીનગરમાં ટ્રાફિક ચક્કાજામના દૃશ્યો સર્જાયા હતા. ગુજરાત જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને શહેર પ્રમુખ હિતેશ ગુપ્તા સહિતના આગેવાનોના પ્રતિનિધિમંડળ દ્વારા ગાંધીનગર જિલ્લા કલેક્ટરને વિગતવાર આવેદનપત્ર પણ સુપ્રત કરવામાં આવ્યું હતું. જો ગુજરાત સરકાર બેરોજગાર યુવાનો, આશાવર્કર, આંગણવાડી બહેનો, ખેડૂતો, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ કર્મચારીઓના મુદ્દે અમારા આંદોલન બાદ પણ જો હકારાત્મક નિર્ણય લઇ તેનો અમલ નહીં કરે તો રાજ્યના આ હજારો બેરોજગાર યુવાનો, આંગણવાડી બહેનો, આશાવર્કર, ખેડૂતો અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સહિતના આશરે ત્રીસ લાખ જેટલા કર્મચારીઓ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત સરકાર વિરૂધ્ધ મતદાન કરી પોતાનો આક્રોશ વ્યકત કરશે એમ ગુજરાત જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને શહેર પ્રમુખ હિતેશ ગુપ્તાએ વધુમાં સ્પષ્ટ કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે જે પક્ષ અમારી માગણીઓનું નિરાકરણ આપશે એમને વિધાનસભાની ચૂંટણીનો અમે સમર્થન આપીશું. આથી ૧૭ તારીખના કાર્યક્રમની અસર ર૦૧૭માં પડશે. અમે ગુજરાતની દરેક વિધાનસભાના સરેરાશ ૧પથી ર૦ હજાર લોકો માટે લડત ચલાવી છે. ત્યારે આ ર૦ હજાર મતદારો દરેક સીટમાં કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે સમાન કામ, સમાન વેતનની નીતિ અખત્યાર કરી તેનો અમલ કરવા, ખેડૂતો માટે ૫૦૦ મીટરનો વિસ્તાર ઇકોઝોન અને તેમની લોન માફીની માગણી, આશાવર્કર અને આંગણવાડી બહેનોને તેમના કામ પ્રમાણે વેતન, બેરોજગાર યુવાનોને તાકીદે રોજગારી, ફિકસ પગાર પ્રથા કાયમી ધોરણે બંધ કરવામાં આવે, કાયમી કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે સહિતની બાંહેધરી અગાઉ ખુદ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી હતી પરંતુ તેને એક વર્ષ વીતી ગયા બાદ પણ સરકાર દ્વારા તેનું પાલન કરાયું નથી. જેને લઇ રાજ્યના હજારો બેરોજગાર યુવાનો આંગણવાડી બહેનો, આશાવર્કર, ખેડૂતો અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સહિતના હજારો લોકોમાં સરકાર પરત્વે ઉગ્ર રોષ પ્રવર્તી રહ્યો છે. હજારો બેરોજગાર યુવાનો આંગણવાડી બહેનો, આશાવર્કર, ખેડૂતો અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના મુદ્દે અમે રાજયના મુખ્યમંત્રીને તા.૧૬મી ઓકટોબર સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું પરંતુ સરકારે લાખો કર્મચારીઓની ધરાર અવગણના કરી છે હજુ પણ સરકાર તેનો અહંકાર નહી છોડે અને કર્મચારીઓ પરત્વે માનવીય અભિગમ દાખવી યોગ્ય નિર્ણય નહી લે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં સરકારે તેના પરિણામો